For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈન્ડસીડ બેંકના રિકવરી અધિકારી પર પૂર્વયોજીત કાવતરું રચી ત્રણ શખ્સોનો હુમલો: આંગળા ભાંગી નાખ્યા

03:41 PM Dec 15, 2023 IST | Sejal barot
ઈન્ડસીડ બેંકના રિકવરી અધિકારી પર પૂર્વયોજીત કાવતરું રચી ત્રણ શખ્સોનો હુમલો  આંગળા ભાંગી નાખ્યા

રાજકોટ શહેરના પોશ ગણાતા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં ગઈકાલે બપોરે પિતાને વોકીંગમાં લઈને નીકળેલા ઈન્ડસીડ બેંકના રિકવરી અધિકારી પર પૂર્વ યોજીત કાવતરું યોજી ઘર પાસે બાઈકમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ બેટ વડે હુમલો કરી આંગળી ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પૂર્વયોજીત કાવતરું રચી હુમલો કરવા અંગેનો ગુનો નોંધી સોપારી આપી હુમલો કરાવનાર જામનગરના શખ્સ સહિતના આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર જીવન જયોત સોસાયટી શેરી નં.9માં રહેતા ભાવેશ ખીમજીભાઈ ટાંક (ઉ.52) નામના પ્રજાપતિ પ્રૌઢે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના અમીનભાઈ નોટીયાર અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે બપોરે ફરિયાદી પોતાના પિતા ખીમજીભાઈ સાથે શેરીમાં વોકીંગમાં નીકળ્યા હતાં અને પરત ઘર પાસે પહોંચતાં બાઈકમાં ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતાં. જેમાં બે શખ્સોના હાથમાં બેટ હતાં. અજાણ્યા શખ્સોએ બાઈકમાંથી નીચે ઉતરી ‘અમે અમીન નોટીયારના માણસો છીએ, તમે ભાવેશભાઈ ટાંક ઈન્ડસીડ બેંકમાં નોકરી કરો છો’ તેમ પુછયું હતું. ફરિયાદીએ હા પાડતાં જ ‘તને રિકવરી કરવાનો બહુ શોખ છે’ તેમ કહી બે શખ્સો બેટ વડે તુટી પડયા હતાં. જેમાં હાથમાં ઈજા પહોંચી હતી આ વખતે છોડાવવા વચ્ચે પડેલા પિતાને પણ એક શખ્સે ધક્કો મારી પછાડી દીધા હતાં.
ઓચિંતા હુમલો થતાં બેંકના કર્મચારીએ દેકારો કરી મુકતા લોકો ભેગા થઈ ગયા હતા અને ત્રણેય હુમલાખોરો બાઈકમાં બેસી નાસી ગયા હતાં. જ્યારે ઈજાગ્રસ્ત બેંક કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તબીબે બે આંગળામાં ફેંકચર થયાનો અભિપ્રાય આપ્યો હતો.
પોલીસની પુછપરછમાં યાજ્ઞિક રોડ પર આવેલ ઈન્ડસીડ બેંકમાં સેલ્સ એન્ડ માર્કેટીંગનું કામ કરતાં ભાવેશભાઈ ટાંકની બેંકમાંથી જામનગરના અમીન નોટીયારે ટ્રક ઉપર લોન લીધી હોય જે બાબતે છેલ્લા ઘણા સમયથી અમીન નોટિયાર અવારનવાર ફોન કરી ‘અમારા ટ્રકના હપ્તા ભરાઈ કે ન ભરાય તારે કોઈ કાર્યવાહી બેંક તરફથી કરવાની થતી નથી’ તેવી ધમકી આપતો હોય બેંક કર્મચારી ભાવેશભાઈએ અમીન નોટીયારનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. જેના કારણે ભાડુતી ગેંગને મોકલી હુમલો કરાયાની દહેશત વ્યકત કરી છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ પૂર્વયોજીત કાવતરું રચી હુમલો કરવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઈ જે.જી.જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement