For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા જજના પટાવાળાએ ચેકબુક ચોરી કરી 10.30 લાખની રકમ ભરી બે ચેકો બેંકમાં ભર્યા

04:39 PM Dec 22, 2023 IST | Sejal barot
મહિલા જજના પટાવાળાએ ચેકબુક ચોરી કરી 10 30 લાખની રકમ ભરી બે ચેકો બેંકમાં ભર્યા

શહેરમાં ઘરઘાટી તરીકે કામ કરતાં નોકરો ઘરમાંથી કિંમતી માલ સામાન કે રોકડ ચોરી કરી નાસી જવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતાં રહે છે પરંતુ તાજેતરમાં મહિલા જજના ઘરે કામ કરતાં સરકારી પટ્ટાવાળાએ મહિલા જજની ચેકબુક ચોરી કરી લઈ તેના બે ચેકોમાં રૂા.10.30 લાખની રકમ ભરી વસૂલવા માટે બેંકમાં રજૂ કર્યા હતાં. જેથી બેંક દ્વારા મહિલા જજને જાણ કરાતાં સમગ્ર મામલાનો ભાંડા ફોડ થઈ ગયો હતો. આ અંગે પોલીસે મહિલા જજની ફરિયાદ પરથી પટ્ટાવાળા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ પર જામટાવર ચોક પાસે સીએલએફ કવાર્ટર નં.ઈ/1માં રહેતા અને મોચીબજાર કોર્ટમાં ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતાં મહિલા જજ જયોત્સનાબેન વિનુભાઈ પરમાર (ઉ.50)એ એ-ડીવીજન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ઘરે કામ કરતાં સરકારી પટ્ટાવાળા નરેશભાઈ તાવીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓએ 23-5-2022થી રાજકોટ કોર્ટમાં જજ તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને તેમને રેસકોર્ષ રીંગ રોડ પર બહુમાળી ભવન સર્કલ પાસે હોમગાર્ડ કેમ્સમાં કવાર્ટર નં.સી/11 ફાળવેલું હતું તથા ડીસ્ટ્રીક કોર્ટ તરફથી પટ્ટાવાળા તરીકે નરેશ તાવીયા નામના કર્મચારીને ફાળવવામાં આવ્યું હતું. જે તેમના ઘરે નાના મોટા કામકાજ તેમજ બેંકીંગને લગતું કામકાજ કરતો હતો. મહિલા જજ પટ્ટાવાળાને દર મહિને પી.એલ.આઈ.નું પ્રિમીયમ ભરવા માટે સેવીંગ એકાઉન્ટનો ચેક આપતાં હતાં. દરમિયાન ગત મે મહિનામાં તેમના એસબીઆઈ બેંકની ચેક બુક ખોવાઈ ગઈ હોય કવાર્ટરમાં શોધવા છતાં મળી આવેલ ન હોય જેથી તેમણે એસબીઆઈની હોસ્પિટલ ચોક બ્રાંચમાં જઈ ચેક બુક ખોવાઈ ગયા અંગે જાણ કરી જુની ચેક બુકના તમામ ચેકો રદ કરાવી નાખ્યા હતાં.
દરમિયાન ગત તા.19/12નાં રોજ એસબીઆઈ બેંકના કર્મચારીનો તેમને ફોન આવેલો અને જણાવેલું કે તમારા એકાઉન્ટનાં બે ચેક અમારી બ્રાંચમાં ભરેલા છે જે આપના તરફથી ઈસ્યુ કરવામાં આવેલ છે કે કેમ ? તેમ કહેતા તેઓ ચોંકી ગયા હતાં અને બેંકમાં જઈ તપાસ કરતાં કોઈએ તેમને અગાઉ ખોવાઈ ગયેલી ચેકબુકના બે ચેકોનો દુઉપયોગ કરી તેમાં તેમની બનાવટી સહી કરી રૂા.5 લાખ અને રૂા.5.30 લાખ મળી બન્ને ચેકોમાં 10.30 લાખની રકમ ભરી જમા કરાવેલા હોય. મહિલા જજના ઘરમાં તેઓ તેમના પતિ અને દીકરી ઉપરાંત નરેશ તાવીયા સિવાય કોઈ આવતું જતું ન હોય જેથી પટ્ટાવાળા ઉપર શંકા જતાં તેમણે નરેશ તાવીયાને બોલાવી પુછપરછ કરતાં તેણે કબુલાત આપી હતી કે બન્ને ચેકો પોતે બેંકીંગનું કામકાજ કરતો હતો ત્યારે તેમની જાણ બહાર ચેકો લઈ લીધા હતાં. ચેક બુક તેણે જ ચોરી કરી લીધી હતી. જેથી મહિલા જજે એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ પી.કે.ઝાલાએ પટ્ટાવાળા નરેશ તાવીયા વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement