પ્રેમની વેદી પર વધુ એક યુગલનું બલિદાન: જસદણ પંથકમાં ઝેર પી પ્રેમીપંખીડાંનો આપઘાત
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમી પંખીડાએ એક ન થઈ શકવાની ચિંતામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ભાડલા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે.
મળતી વિગત અનુસાર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભંડારીયા ગામ ખાતે રહેતા વિવેક બાવરીયા તેમજ કિંજલ મોઢ દ્વારા સવારના 5:00 વાગ્યાના અરસામાં વિવેક બાવરીયાની વાડી ખાતે પહોંચીને ઝેરી દવા પી લેવામાં આવી હતી.
ત્યારબાદ સારવાર અર્થે બંનેને ગોંડલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રથમ વિવેક અને ત્યારબાદ કિંજલે સારવાર દરમિયાન પોતાનો દમ તોડ્યો હતો. જેના કારણે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિવેકના સગપણની વાત ચાલતી હોય જેથી તેનો પરિવાર કમળાપુર છોકરી જોવા પણ ગયો હતો. તેમજ નજીકના સમયમાં વિવેકની સગાઈ પણ થવાની હતી. પરંતુ વિવેકની સગાઈ થાય તે પૂર્વે જ પ્રેમી પંખીડાએ એક સાથે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. કિંજલના પિતા ખેતી કામ કરે છે. જ્યારે વિવેકના પિતા પણ ખેતીકામ સાથે જોડાયેલા છે.
ત્યારે હાલ તો રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ દ્વારા બનાવ સંદર્ભે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બનાવો સંદર્ભે અંતિમક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકોના પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવશે. ત્યારે વિવેક અને કાજલ છેલ્લા કેટલા સમયથી એકબીજાના પ્રેમમાં હતા તે બાબતે હજુ કોઈ ચોક્કસ સમય સામે નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં કાયમી માટે એક ન થઈ શકવાના ડરે પ્રેમી પંખીડાઓ દ્વારા સજોડે આપઘાત કરવામાં આવ્યો હોય.