રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં ધીમીધારે વધુ 1.5 ઈંચ વરસ્યો

04:37 PM Jul 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કંટ્રોલરૂમમાં પાણી ભરાવાની અનેક ફરિયાદો, નવલનગરમાં વૃક્ષ અને હાથીખાનામાં દીવાલ ધરાશાયી, જાનહાનિ ટળી

રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે કાળાડીબાંગ વાદળો વચ્ચે ગઈકાલે સવારથી જ ઝાપટાઓ વરસવાના ચાલુ થયા હતાં જેમાં મોડી રાત્રે ઉગ્ર સ્વરૂપ પકડતા સવાર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જે દોઢ ઈંચથી વધુ પાણી વરસી ગયાનું ફાયર વિભાગમાં નોંધાયું છે. ગઈકાલે દિવસ દરમિયાન અને ખાસ કરીને સાંજે છ વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીના સેન્ટ્રલઝોનમાં 37 મીમી, વેસ્ટઝોનમાં 38 મીમી અને ઈસ્ટઝોનમાં 22 મીમી વરસાદ પડતા મૌસમનો કુલ વરસાદ 6॥ ઈંચને પાર થઈ ગયો છે. રવિવારે વરસાદના કારણે એક વૃક્ષ ધરાશાયી થવાની અને આજે હાથીખાના વિસ્તારમાં જર્જરીત મકાનની દિવાલ ઢળી પડવાની ઘટના ઘટી હતી પરંતુ બન્ને ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

રાજકોટમાં ગઈકાલ સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું. સુર્યનારાયણે દર્શન ન દેતા આજે વરસાદ તુટી પડશે તેવું શહેરીજનો કહી રહ્યા હતા. ત્યારે જ સવારે 10 વાગ્યાબાદ કાળાડીબીંગ વાદળોથી આકાશ છવાઈ જતાં પ્રથમ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બપોર બાદ ઉગ્રસ્વરૂપ ધારણ કરી રાત્રીના ધોધમાર વરસાદ તુટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગઈકાલે બપોર બાદ વરસાદ સરૂ થયેલ જે આજે સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેના લીધે સેન્ટ્રલઝોનમાં 37 મીમી, વેસ્ટઝોનમાં 38 મીમી અને ઈસ્ટઝોનમાં સૌથી ઓછો 22 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરીજનો મુસળધાર વરસાદની રાહ જોઈ રહ્યા હતાં. પરંતુ 12 કલાકમાં ફક્ત દોઢ ઈંચ વરસાદ વરસતા ફક્ત ગરમીમાં રાહત જોવા મળી હતી. ગઈકાલના વરસાદના કારણે ઉપરવાસના ડેમમાં પાણીની આવક ન થઈ હોવાનું જાણવા મળેલ છે.

શહેરમાં ગઈકાલે સવારથી વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો હતો. બપોરે ભારે વરસાદમાં લોકો ન્હાવા માટે રોડ ઉપર નિકળી પડ્યા હતાં. જેની સામે ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા. જ્યારે અંડરબ્રીજમાં પણ દોઢ ઈંચ વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરરોજ અડધાથી દોઢ ઈંચ વરસાદ વરસી રહ્યો છે. આથી મૌસમનો કુલ વરસાદ 6॥ ઈંચને પાર થઈ ગયો છે. જેના લીધે શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં બોરમાં નવા નીરની આવક નોંધાઈ છે. અને તળ ઉંચુ આવતા લોકોને પાણી ખરીદવામાંથી છુટકારો મળ્યો છે. આજે બપોરે આ લખાય છે ત્યારે ત્રણ વાગ્યે શહેર ઉપર વાદળોના ગંજ ખડકાયેલા હોય સાંજ સુધીમાં ભારે વરસાદ તુટી પડવાની સંભાવના જોવાઈ રહી છે.

કાલનો અને કુલ ઝોન વાઈઝ વરસાદ
સેન્ટ્રલઝોન આજનો 37 મીમી, કુલ વરસાદ 186 મીમી
વેસ્ટઝોન આજનો 38 મીમી, કુલ વરસાદ 167 મીમી
ઈસ્ટઝોન આજનો 22 મીમી, કુલ વરસાદ 148 મીમી

એક તોતિંગ વૃક્ષ અને દીવાલ ધરાશાયી

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે અનેક સ્થળે નાના-મોટા વૃક્ષો ઢળી પડવાની ઘટનાઓ ઘટી હતી પરંતુ ગઈકાલે નવલનગરમાં શિવ ઓટોગેરેજની બાજુમાં આવેલ વર્ષો જૂના લીંમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. ભારે વરસાદના પગલે લોકોની અવર જવર ન હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ ગેરેજ પાસે પાર્ક કરેલ કાર ઉપર વૃક્ષ પડતા કાર માલીકને નુક્શાની સહન કરવી પડી હતી. જ્યારે ગઈકાલે ભારે વરસાદથી હાથીખાના મેઈન રોડ ઉપર એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. હાથીખાનામાં શેરી નં. 3માં આવેલ મકાન જર્જરીત હાલતમાં હોય તેની એક દિવાલ આજે ધરાશાયી થઈ હતી. આ મકાનમાં કોઈ વ્યક્તિ રહેતા ન હોવાથી અને પાંચેક વર્ષથી આ મકાન ખાલી હોવાથી દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. વૃક્ષ ધરાશાયી થવાની અને મકાનની દિવાલ ઢળી પડવાની ઘટનામાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે સ્થળ ઉપર પહોંચી વૃક્ષ તેમજ મકાનનો મલવો હટાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. તેમજ જર્જરીત મકાનનો બાકી રહી ગયેલો ભાગ તોડી પાડવા માટે મકાન માલીક કિશોરભાઈને સુચના આપવામાં આવી હતી. (તસવીર: મુકેશ રાઠોડ)

Tags :
gujaratgujarat newsrainrain fallrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement