For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડદા પાછળ રહી રંગદેવતાની આરાધના કરતા પ્રેમલ યાજ્ઞિક

01:17 PM Mar 27, 2024 IST | Bhumika
પડદા પાછળ રહી રંગદેવતાની આરાધના કરતા પ્રેમલ યાજ્ઞિક
  • પિરીઓડિકલી નાટકમાં નાની-નાની વસ્તુ ભેગી કરવી,એન્ટ્રી, એક્ઝિટમાં સતત એલર્ટ રહેવું ,ગણતરીની સેકંડોમાં જ કલાકારનો ગેટ અપ ચેન્જ કરવાનો વગેરે પડકારરૂપ છે
  • આજે વિશ્વ રંગભૂમિ દિવસ: સર્વે રંગકર્મીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
  • પિતા સમાન સસરા ભરત યાજ્ઞિક પણ હીરાને પારખીને એક પછી એક મહત્ત્વની જવાબદારી સોંપતા ગયા અને પ્રેમલબેન તે નિભાવતા ગયા

ગુજરાતમાં નાટ્ય ક્ષેત્રે પ્રવૃત્ત કોઈપણ વ્યક્તિ કલાનિકેતન અને ભરત યાજ્ઞિક થિયેટર થેરેપીના નામથી જરૂૂર વાકેફ હોય.જેના નામ માટે કોઈ ઓળખની જરૂૂર નથી એવા ભરત યાજ્ઞિકના વડપણ હેઠળ આ સંસ્થા દ્વારા એક થી એક ચડિયાતા નાટકોનું સર્જન થયું છે. નાટકમાં વાર્તાની પસંદગીથી લઈને કલાકારોની પસંદગી, કોસ્ચ્યુમ વગેરે દરેક પાસાની ઝીણવટપૂર્વક માવજત કરવામાં આવે છે.કલાપીના નાટક ‘સુરમધુ - કલાપી’માં કલાપીનો ઠસ્સો દેખાય, ‘જીથરો ભાભો’ હોય તો આબેહૂબ મેલાઘેલાં અને લઘરવઘર વસ્ત્રો સાથે જીંથરો ભાભો જોવા મળે, અમૂક નાટકમાં રાજા-મહારાજા જેવા વસ્ત્રો,ઘરેણાં હોય તો અમૂકમાં સદીઓ પહેલાંના દૃશ્યને તાદૃશ્ય કરવામાં આવતું હોય છે. આ ઝીણી ઝીણી ચોકસાઈપૂર્વકની અને ખૂબ મહત્ત્વની એવી કોસ્ચ્યુમ અને બેકસ્ટેજની જવાબદારી સંભાળે છે પ્રેમલ યાજ્ઞિક.હાલ તેઓ સદગુરુ મહિલા કોલેજ રાજકોટમાં એસોસિએટ પ્રોફેસર છે આમ ટિચિંગ અને થિયેટરની જવાબદારી આનંદથી નિભાવી રહ્યા છે.

Advertisement

પિયર પક્ષ અને સાસરી પક્ષ બંને પરિવાર જ્યારે રંગભૂમિ સાથે સંકળાયેલા હોય ત્યારે રંગદેવતાની કૃપા ન થાય તો જ નવાઈ.પિતા ચંદુભાઈ પટેલ એજી ઓફિસમાં જોબ સાથે રિક્રીએશન ક્લબ અને ડ્રામાની પ્રવૃત્તિ સંભાળતા.મમ્મી જ્યોત્સનાબેન પટેલ રેડક્રોસ ફેમિલી પ્લાનિંગ વિભાગમાં નોકરી કરતા અને પોતાના લગ્ન પહેલાથી નાટકોમાં કામ કરતા. માતા-પિતા આ નાટ્ય પ્રવૃત્તિ, જાણીતા નાટ્યકર્મી ભરત યાજ્ઞિક અને રેણુ યાજ્ઞિક સાથે કરતા. નાટકના કારણે બંને પરિવાર વચ્ચે સારો ઘરોબો હતો. જુદી-જુદી કામગીરી સાથે પ્રેમલબેને સહુ પ્રથમ વખત રેણુબેન યાજ્ઞિક સાથે બેક સ્ટેજની જવાબદારી નિભાવી.આ કામ માટે તેઓ ક્યારેક રાજુ યાજ્ઞિકની મદદ પણ લેતા. એક બીજાને મદદ કરવાનો કોલ ક્યારે જીવનભર સાથ નિભાવવાનો કોલ બની રહ્યો તે ખબર ના પડી. 1985માં તુઘલખ નાટક સમયે વધુ નજીક આવ્યા અને 1994 માં પરણી ગયા. રાજુ યાજ્ઞિક હાલ આકાશવાણી રાજકોટમાં સિનિયર ઉદ્ઘોષક છે, નાટકના સક્ષમ કલાકાર છે. પ્રેમલબેનને જ્યાં જરૂૂર હોય ત્યાં તેઓ ખડેપગે ઊભા હોય છે.

લગ્ન બાદ પણ રંગભૂમિની યાત્રા તો ચાલુ જ રહી બલ્કે વધુ પ્રવૃત્ત બની. ‘સપનું તો અંકાશી ફૂલ’ અને ‘સંભવામિ યુગે યુગે’ નાટકમાં લીડ રોલ કર્યો પણ ત્યાર બાદ જ્યારે ‘પહાડનું બાળક:ઝવેરચંદ મેઘાણી’ કર્યું ત્યારે સંપૂર્ણપણે બેક સ્ટેજની જવાબદારી નિભાવી જે આજ સુધી સતત ચાલુ જ છે. પોતાની આ કામગીરીમાં સાસુ રેણુબેન યાજ્ઞિકનો સતત સાથ મળતો રહે છે ઘણી વખત બંને પોતાની મનગમતી સાડીઓ, સેલામાંથી પણ જરૂૂરિયાત મુજબ કોસ્ચ્યુમ બનાવી નાખે છે. પ્રેમલબેનના લાલ ચટ્ટક ઘરચોળાનો ઉપયોગ ‘પહાડનું બાળક: ઝવેરચંદ મેઘાણી’ નાટકમાં ખૂબ થયો એ જ રીતે રેણુબેનના અનેક મોંઘા મૂલા સેલા અને સાડીઓ નવાબી કપડાં તૈયાર કરવા માટે વપરાયા છે. આમ આ પ્રવૃત્તિ દિવસે ને દિવસે રંગ લાવતી ગઈ. રંગભૂમિ જ જેનું જીવન છે એવા સસરા ભરત યાજ્ઞિક પણ હીરાને પારખવામાં થોડા પાછા પડે? પ્રેમલ બેનની આવડત જાણી એક પછી એક મહત્ત્વની જવાબદારી સોંપતા ગયા. ‘ગ્રહણ’ નાટક સમયે કાર્ડમાં પ્રોડ્યુસર તરીકે પોતાના નામનો ઉલ્લેખ એ જીવનભરનું સંભારણું બની રહ્યું છે. પ્રેમલ રાજુ યાજ્ઞિકની દીકરી વરદા પણ પરિવારના કલાના વારસાને આગળ વધારે છે અને સતત 3 વર્ષથી એકપાત્રીય અભિનયમાં રાજ્ય કક્ષાએ અવ્વલ આવી છે. નાટકમાં કોઈ પણ કામ ને નાનું નહિ ગણવાની પિતાજીની શીખ જીવનમાં ઉતારનાર પ્રેમલ યાજ્ઞિકને હજુ સાઉન્ડ અને લાઇટ્સ વિષયમાં પણ આગળ વધવું છે. તેમના આ સ્વપ્ન બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

Advertisement

બેકસ્ટેજમાં કામ કરતી મહિલાઓની સંખ્યા ઓછી છે: રેણુ યાજ્ઞિક
પુત્રવધૂની કામગીરીની સરાહના કરતા રેણુબેન યાજ્ઞિકે જણાવ્યું કે, ‘બેક સ્ટેજની કામગીરી ઓછા લોકો પસંદ કરે છે કારણ તેમાં પડદા પાછળ કામ કરવાનું હોય છે, જે લોકો સુધી ઓછું પહોંચે પરંતુ પ્રેમલ આ કામગીરી ખૂબ જ મહેનત ખંત અને નિષ્ઠાથી નિભાવે છે.આ કામગીરીમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કામ ખૂબ જ ચીવટ અને ચોક્કસાઈવાળું છે છતાં તે ખૂબ જ ઉત્સાહ,મહેનત, લગન અને ખંતપૂર્વક પોતાની જવાબદારી નિભાવે છે.’

બેકસ્ટેજની ચેલેન્જિંગ કામગીરી કરવાનો આનંદ છે
પોતાના કામ બાબત પ્રેમલબેન જણાવે છે, કે બેકસ્ટેજ વધુ ચેલેન્જિંગ છે. પિરીઓડિકલી નાટકમાં નાની-નાની વસ્તુ ભેગી કરવી,એન્ટ્રી, એક્ઝિટમાં સતત એલર્ટ રહેવું, ગણતરીની સેકંડોમાં જ કલાકારે ગેટ અપ ચેન્જ કરવાનો હોય છે.રિસર્ચ કરી જે તે પાત્રને જીવંત બનાવવું પડે છે. ‘સુરમધુ - કલાપી’ નાટકમાં સૌથી વધુ ચેલેન્જ હતી. કલાપીના પૌત્રો જ્યારે સામે બેસીને એ નાટક માણવાના હતા ત્યારે અમે જરા સરખી ચૂક ચલાવવા નહોતા માગતા. જેમાં ગોલ્ડન બોર્ડર વાળા આખા તાકામાંથી કલાપી સહિત ઘણા બધાના કોસ્ચ્યુમ બનાવ્યા હતા. ક્યારેક કેળના પાનમાંથી ડ્રેસ બનાવ્યો છે તો ક્યારેક પ્લાસ્ટિકના લોટામાંથી મદિરા પાનનું પાત્ર બનાવ્યું છે. રાજા-મહારાજાઓની કિંમતી વીંટીના સ્થાને માથામાં નાખવાના રબર બેન્ડનો ઉપયોગ કર્યો હતો. ‘સુરમધુ - કલાપી’ નાટકમાં લેડિઝ વેલ્વેટ ગાઉનમાંથી અંગ્રેજ ઓફિસરનો કોટ બનાવ્યો હતો તે ક્યારેય નહીં ભુલાય.

કામ દ્વારા પોતાના નામને આગવી ઓળખ આપો
મહિલા પાસે પોતાનું નામ છે, એ જ પોતીકી ઓળખ છે. આ નામને પોતાના કામ દ્વારા આગવી ઓળખ આપો. તમારામાં જે આવડત છે તેને વિકસાવો અને આગળની પેઢી સુધી પહોંચાડો.અનેક મહિલાઓને આજે પાયાનું શિક્ષણ પણ નથી મળતું ત્યારે જે શિક્ષણ કલા મહિલાઓને પ્રાપ્ય છે તેનો ઉપયોગ કરવો જોઈએ.નોકરી કરવી એ જ વિકલ્પ નથી.અનેક તકો રહેલી છે જેને મેળવીને આગળ વધો.

Advertisement
Tags :
Advertisement
Advertisement