સીદસરામાં ઘરની ઓસરીમાં અકસ્માતે ગબડેલા પ્રૌઢાનું સારવારમાં મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામે રહેતા બાલાબા મહેન્દ્રસિંહ જાડેજા નામના 55 વર્ષના મહિલાને દસેક વર્ષ પૂર્વે પેરેલીસીસનો એટેક આવી ગયો હતો. આ પછી થોડા તેઓ માનસિક રીતે અસ્વસ્થ રહેતા હોય, થોડા દિવસો પૂર્વે ઘરની ઓસરીના પગથિયા પરથી પડી જવાના કારણે તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મહેન્દ્રસિંહ નાથુભા જાડેજાએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.
બોડકીમાં બઘડાટી
ભાણવડ તાલુકાના બોડકી ગામે રહેતા ગોગનભાઈ વીરાભાઈ ભાંભણા નામના 58 વર્ષના આધેડએ જામ રોજીવાડા ગામના લાખા માલદેભાઈ પાથરને પોતાની વાડીના રસ્તે તથા ફળિયામાંથી ચાલવાનીના પાડતા આ બાબતનો ખાર રાખીને આરોપી લાખા પાથર સાથે આવેલા જયમલ લાખા પાથર, જીગ્નેશ લાખા પાથર, કેતન બાબુભાઈ પાથર અને ફોટડી ગામના પરબત સામત ચૌહાણ ઉપરાંત અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ છ શખ્સોએ ફરિયાદી ગોગનભાઈના ઘરમાં અપપ્રવેશ કરીને ગોગનભાઈ ઉપરાંત તેમના પુત્ર સુરેશ અને મનહર તેમજ તેમના પત્ની ઉપર લોખંડના પાવડા, લોખંડના પાઇપ, લાકડી તથા કોદારી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 325, 324, 323, 504, 506 (2), 452, 34, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.