પોરબંદર-રાજકોટ એક્સપ્રેસને કાટકોલા સ્ટેશનથી લીલીઝંડી આપતા સાંસદ માડમ
રેલવે મંત્રાલયના દ્વારા પોરબંદર-રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસ ટ્રેન નં. 19572/19571 નું સ્ટોપેજ ભાવનગર ડિવિઝનના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા સ્ટેશન પર શરૂૂ થયું છે.
જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ, જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરીયા સહિતના આગેવાનો દ્વારા ભાણવડ તાલુકાના કાટકોલા રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને હોલ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, શનિવારે કાટકોલા રેલ્વે સ્ટેશનથી પોરબંદર-રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ શરૂૂ થયું છે. આ સ્ટોપના કારણે છાત્રો, યુવાઓ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને કનેક્ટિવિટીમાં ઘણી જ સરળતા રહેશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાણવડ, લાલપુર અને જામજોધપુર રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશનમાં સમાવેશ થતાં સ્ટેશનો સુવિધાથી સુસજ્જ થશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડી.સી.એમ. માશૂક અહમદના જણાવ્યા મુજબ, પોરબંદરથી રાજકોટ સુધી દોડતી પોરબંદર-રાજકોટ ડેઈલી એક્સપ્રેસ ટ્રેનનો આગમનનો સમય બપોરે 03:15 વાગ્યાનો છે. તેમજ રાજકોટ-પોરબંદર ડેઈલી એક્સપ્રેસ ટ્રેનનો કાટકોલા રેલ્વે સ્ટેશન પર આગમન નો સમય 10:33 નો છે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર સહિત મંડળના અન્ય અધિકારીઓ, અગ્રણીઓ અને કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.