સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
હાલ સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં યુવક-યુવતીઓ નિરાશ થઇ આત્મધાતી પગલુ ભરી લે છે. ત્યારે તેઓએ વિચારવું જોઇએ કે એક જ પરીક્ષામાં નિષ્ફળતા મળે એટલે આપણે નિષ્ફળ પૂરવાર થઇ જતા નથી. પરંતુ આપણી કયાં ભુલી રહી ગઇ તે શોધીને બીજી પરીક્ષાની તૈયારી કરી તેમાં સફળ થવાનું હોય છે. ત્યારે ભાણવડ તાલુકાના ભરતપૂર ગામે રહેતી એક 26 વર્ષની યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતી હતી પરંતુ તેમને કોઇ પરીક્ષામાં સફળતા ન મળતાં તેમણે નિરાશ અને હતાશ થઇને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. તેણીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
વધુ વિગતો મુજબ, ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા પરબતભાઈ અરજણભાઈ આંબલીયાની 26 વર્ષની પુત્રી નહલાબેન છેલ્લા ત્રણેક વર્ષથી ઘર બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી. પરંતુ આ પરીક્ષાઓમાં તેણીને સફળતા ન મળતા અને તેણીને નોકરી ન મળતા આખરે તેણીએ કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા પરબતભાઈ આંબલીયા (રહે. ભરતપુર, ઉ.વ. 51) એ ભાણવડ પોલીસને કરી છે. આ અંગે ભાણવડ પોલીસે કાર્યવાહી કરી હતી.