અમ્લપિત્ત (એસીડીટી) પ્રત્યે અવગણના ગંભીર બીમારી નોતરી શકે છે
આયુર્વેદમાં એસીડીટીને અમ્લપિત્ત કહેવામાં આવે છે. આ એસીડીટી મસાલા વાળા, ગરમ અને તીખું ભોજન ખાવાને કારણે થાય છે. આયુર્વેદ અનુસાર વાત, પિત્ત અને કફના અસંતુલનના કારણે એસીડીટી થાય છે. એસીડીટી થતા હોજરી અને પેટમાં ગરમી પિત્ત વધી જવાથી ગળું , પેટ હોજરી કે છાતીમાં દાહ- બળતરા, બેચેની, અપચો, ગેસ વાયુ, કડવા- તીખા કે ખાટા ઓડકાર આવે છે.ખાસ કરીને એસીડીટી છાતી અને ઉદરમાં થનારી બળતરા અને દર્દ શરીરમાં એસિડની વધારે માત્રા થવાથી થાય છે. અત્યારના સમયમાં વધારેમાં વધારે તકલીફ વ્યક્તિઓને એસીડીટી ની હોય છે કારણકે ખાનપાન અને ફાસ્ટ ફુડ વધ્યા છે. લોહીમાં 20 ટકા એસિડ અને 80 ટકા ક્ષાર એલ્કાઈ હોય છે. જ્યારે લોહીમાં તેજાબની માત્રા વધી જાય છે ત્યારે ભોજન પચાવનાર અંગને પ્રભાવિત કરે છે. એસીડીટીમાં વ્યક્તિના અંગમાંથી હોજરીમાંથી ખોરાક પાછો ઉપર અન્નનળીમાં ચડે છે, જેના કારણે ખાટા તીખા ઓડકાર આવે છે, પેટમાં બળે છે. જેના લીધે આ એસીડીટી થયા કરે છે.
અમ્લપિત્ત મા બે શબ્દ જોવા મળે છે, અમ્લ એટલે ખાટું અને પિત એટલે એસિડ કે પાચક સ્ત્રાવ. આચાર્ય ચરકે પિત્તનો રસ કટુ (તીખો) અને અમ્લ (ખાટો) બતાવ્યો છે પણ અમ્લપિત્તમાં અમ્લની પ્રધાનતા જોવા મળે છે. આચાર્ય સુશ્રુત જણાવે છે કે કટુ તે મુખ્ય રસ છે અને તે વિદગ્ધ થતાં અમ્લ બને છે. આચાર્ય કાશ્યપે અમ્લપિત્તમાં ત્રણે દોષો (વાત, પિત્ત અને કફ)ને સંલગ્ન કર્યા છે જયારે આચાર્ય માધવ તેમાં પિત્ત દોષની પ્રધાનતા માને છે.અમ્લપિત્તના બે પ્રકાર પડે છે.
1. ઉર્ધ્વગ: અમ્લપિત્ત એટલે ઉપર તરફ. જેમાં ખાટા ઓડકાર અને ઉલ્ટી થતી જોવા મળે છે અને તેનાં પછી લક્ષણો ઓછા થાય છે. ઘણી વાર તેની સાથે ચામડી પર વિવિધ ચકામાં પણ જોવા મળે છે. તેમાં માથામાં દુખાવો પણ જોવા મળી શકે છે.
2. અધોગ અમ્લપિત્ત જેમાં બળતરા વગેરે લક્ષણો સાથે સ્વેદ એટલે કે પરસેવો પણ જોવા મળે છે. તેમાં ઉલ્ટીના લક્ષણ જોવા મળતા નથી.
આધુનિક વિજ્ઞાનમાં તેને હાઈડ્રોકલોરિક એસિડના અતિ સ્ત્રાવ સાથે સરખાવવામાં આવે છે. જે પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. જો અમ્લપિત્તને અવગણવામાં આવે તો તે આગળ જતાં અન્ય અનેક વ્યાધિઓને પેદા કરી શકે છે.
એસિડિટી થવાના ઘણા કારણો છે, જેમાં મુખ્ય નીચે મુજબ છે-
- વધુ પડતો મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ખાવો.
- અગાઉ ખાધેલા ખોરાક પચ્યા વિના ફરીથી ખોરાક ખાવો.
- વધુ એસિડિક પદાર્થોનું સેવન કરવું.
પૂરતી ઊંઘ ન લેવાથી પણ હાઈપર-એસીડીટી થઈ શકે છે.
- લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ એસિડિટી થાય છે.
- લાંબા સમય સુધી પેઇનકિલર જેવી દવાઓ લેવાથી.
- આલ્કોહોલ અને કેફીનયુક્ત પદાર્થોનો વધુ પડતો વપરાશ.
- વધુ પડતું ખાવું અને જમ્યા પછી તરત ઊંઘી જવું.
- અતિશય ધૂમ્રપાનને કારણે.
- કેટલીકવાર વધુ પડતા સ્ટ્રેસને કારણે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એસિડિટીની સમસ્યા થાય છે.
- આજકાલ ખેડૂતો પાક ઉગાડવા માટે અનેક પ્રકારના જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ કરે છે, જેના કારણે આ ઝેરી રાસાયણિક ખોરાક ખાદ્ય પદાર્થો દ્વારા શરીરમાં પહોંચે છે અને પેટ સંબંધિત રોગો થાય છે.
મુખ્ય લક્ષણો:-
1. દાહ પેટમાં, ગળામાં કે હ્ર્દયની આજુબાજુનાં ભાગમાં બળતરા અનુભવવી,
2. અમ્લ -ઉદગાર ખાટા ઓડકાર આવવા,
3. ઉબકા અને ઉલ્ટી જેવી અનુભૂતિ, 4. અરુચિ,
5. અજીર્ણ ખોરાક યોગ્ય રીતે ન પચવો,
6. માથું દુખવું,
7. ઘણી વાર મુખમાંથી દુર્ગંધ આવવી
સામાન્ય રીતે, એસિડિટીથી રાહત મેળવવા માટે, લોકો પહેલા એસિડિટી માટે ઘરેલું ઉપચારનો આશરો લે છે. અહીં કેટલાક એસિડિટી માટે ના ઉપચાર છે જે એસિડિટી દૂર કરવામાં મદદ કરે છે.
- એસિડિટી થવા પર ઠંડા દૂધમાં એક સાકર મિક્ષ કરીને પીવાથી આરામ મળે છે.
- એક ચમચી જીરું અને અજમા ના બીજને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો અને ખાંડ મિક્સ કર્યા પછી પીવો.
-એસિડિટી માટે વરિયાળીના બીજ ફાયદાકારક છે. જમ્યા પછી વરિયાળી ચાવવાથી એસિડિટીથી રાહત મળે છે.
- તજ કુદરતી એન્ટિ-એસિડ તરીકે કામ કરે છે અને પાચન શક્તિને વધારીને એસિડની વધારાની રચનાને અટકાવે છે.
- ગોળના સેવનથી પેટની એસિડિટી ઓછી થાય છે. જમ્યા પછી અથવા દિવસ દરમિયાન ગમે ત્યારે ગોળનું સેવન કરો. ગોળ પાચનને સુધારે છે, પાચનતંત્રને વધુ આલ્કલાઇન બનાવે છે અને પેટની એસિડિટી ઘટાડે છે.
- જો એસિડિટીની સમસ્યા હોય તો રોજ એક કેળું ખાવાથી આરામ મળે છે.
- નારિયેળ પાણી એસિડિટી સામે લડવામાં મદદ કરે છે. એસિડિટી થવાની સ્થિતિમાં નારિયેળ પાણીનું સેવન કરો.
- તુલસીના 5-7 પાનને પાણીમાં ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને તેમાં થોડી ખાંડ નાખી પીવો.
- ગુલકંદનું સેવન કરો, તે હાઈપર એસિડિટીમાં ખૂબ જ ફાયદાકારક છે.
- વરિયાળી, આમળા અને ગુલાબના ફૂલનો પાઉડર બનાવીને અડધી ચમચી દિવસમાં બે વાર લેવાથી એસિડિટીમાં આરામ મળે છે.
- જાયફળ અને સૂકા આદુને ભેળવીને પાઉડર બનાવીને એક ચપટી ખાવાથી એસિડિટી મટે છે.
- ગિલોયના મૂળના પાંચથી સાત ટુકડા પાણીમાં ઉકાળો અને તેને હૂંફાળું પીવો.
ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
જો એસિડિટી વારંવાર થતી હોય તો તમારે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ.