માનસી પારેખ: કચ્છ એક્સપ્રેસની સફરમાં મળી નેશનલ એવોર્ડની મંઝિલ
કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા ત્રણ એવોર્ડમાંથી શ્રેઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર માનસી પારેખ ગોહિલે ઉડાન માટે આપી વિશેષ મુલાકાત
અનેક સંઘર્ષો બાદ મળેલ સફળતારૂપી એવોર્ડની જાહેરાત સાંભળી બંને પતિ-પત્નીની આંખમાંથી આંસુ વહી ગયા હતા
ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં ગૃહિણીના પાત્રમાં ‘મોંઘી’ને એક ભેટ આપતા તેનો દીકરો કહે છે કે , ‘આને ડ્રીમ કેચર કહેવાય જે તારા સપના પૂરા કરશે.’ અહીં મોંઘીનું પાત્ર ભજવતા માનસી પારેખ માટે કચ્છ એક્સપ્રેસ ખરેખર ડ્રીમ કેચર સાબિત થઈ છે.દરેક કલાકારની જેમ માનસી પારેખનું નેશનલ એવોર્ડ મેળવવાનું સ્વપ્ન આ ફિલ્મ દ્વારા પૂર્ણ થયું છે ત્યારે એવોર્ડ મળવાની ખુશી સાથે અનેક વિષય પર ઉડાન માટે માનસી પારેખ ગોહિલે ખાસ મુલાકાત આપી હતી.
અમદાવાદમાં તેઓ નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે નેશનલ એવોર્ડના સમાચાર મળ્યા ત્યારે થોડી વાર તો આ વાત માનવામાં ન આવી પરંતુ હકીકત સામે આવી ત્યારે ખુશીના આંસુ નીકળ્યા હતા. માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ, સોશિયલ એન્ડ એન્વાયર્નમેન્ટલ વેલ્યુઝ તેમજ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર માટે નિકી જોશીને એવોર્ડ મળ્યા છે. કોઈ ગુજરાતી ફિલ્મને ત્રણ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળે તેવી પ્રથમ ઘટના છે.આ ફિલ્મનું નિર્માણ પણ માનસી પારેખે પતિ પાર્થિવ ગોહિલે સાથે મળીને કર્યું છે ત્યારે આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, ‘આ અમારા અને અમારા પ્રોડક્શન હાઉસ માટે ખૂબ મહત્ત્વની બાબત છે કારણ કે ગુજરાતી ફિલ્મ બનાવવાનો અમારો હેતુ એ હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવામાં આવે અને આ નેશનલ એવોર્ડ હવે ચોક્કસ અમને ત્યાં લઈ જશે.’
મુંબઈમાં જન્મ, ઉછેર અને અભ્યાસ કર્યો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇંગ્લિશ લિટરેચર સાથે બી.એ કર્યું ત્યારે કોઈને ક્યાં ખ્યાલ હતો કે સાહિત્ય,સંગીત અને અભિનયમાં પા પા પગલી કરતી આ દીકરી રાષ્ટ્રીય ક્ષેત્રે એવોર્ડ મેળવી ગુજરાતને ગૌરવ અપાવશે. 18 વર્ષની ઉંમરે એકતા કપૂરની સિરિયલ ‘કિતની મસ્ત હે જિંદગી’ થી અભિનયની યાત્રા શરૂ કરી. સંગીતનો શોખ તો હતો જ ત્યારે ગુજરાતી સા રે ગા મા માં ભાગ લેતી વખતે શોના એન્કર અને ખૂબ જાણીતા ગાયક કલાકાર પાર્થિવ ગોહિલને મળ્યા,સાથે શૂટિંગ કરતાં કરતાં એકબીજાને ગમવા લાગ્યા અને પરણી ગયા. આ બાબત માનસી પારેખ જણાવે છે કે ‘મારી કેરિયર ખરેખર લગ્ન પછી જ શરૂ થઈ. અમે બંને વર્કોહોલિક છીએ અને જીવનમાં કંઈક કરવા માટે બંને સાથે જ પ્રયત્ન કરીએ છીએ. ફિલ્મનો એવોર્ડ જાહેર થયો ત્યારે અમારા બંનેની આંખમાં આંસુ હતા. પતિ-પત્ની કરતાં અમે મિત્રો વધુ છીઅ’.
ટીવી સિરિયલ, રિયાલિટી શો,ફિલ્મ વગેરે કરનાર માનસી પારેખને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ત્યારે સંઘર્ષના એ દિવસો યાદ કરતા તેઓએ જણાવ્યું કે, ‘સંઘર્ષ વગર ક્યારેય સફળતા મળતી નથી.પ્રારંભના દિવસોમાં કામ મેળવવા ઘણો સંઘર્ષ કર્યો છે. મહિનાઓ સુધી ઓડિશન આપવા, ત્યારબાદ રિજેક્શન, ઘણીવાર કોલબેક ન આવે,આવા સમયે હતાશ થઈ જવાતું. તમારી આજુબાજુના મિત્રો ડોક્ટર, એન્જિનિયર કે ટીચર બની સફળતાપૂર્વક કામ કરતા હોય ત્યારે તમને લાગે કે મારું શું થશે? પણ પછી એમ થાય કે જે થશે એ સારું થશે અને પછી જ્યારે રીવોર્ડ રૂપે એવોર્ડ મળે ત્યારે ખુશીને વર્ણવવા માટે શબ્દો નથી હોતા.’
કચ્છ એક્સપ્રેસ પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ છે જેમાં સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને રસપ્રદ રીતે રજૂ કર્યા છે. ગુજરાતી ફિલ્મોમાં નારીને કેન્દ્રસ્થાને રાખીને ઓછી ફિલ્મો બને છે અને એટલે જ આ ફિલ્મ લોકોને ગમી છે. ફિલ્મમાં સાસુનું પાત્ર ભજવતા રત્ના પાઠક શાહે પણ ફિલ્મની પ્રશંસા કરી હતી.આ ઉપરાંત એવોર્ડ મળ્યો ત્યારે માનસી પારેખે જ્યાં અભ્યાસ કર્યો હતો તે સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસરે ફોન કરીને અભિનંદન આપ્યા હતા કે, ‘ભારતના 133 મિલિયન લોકોમાંથી આ એવોર્ડ તને એવોર્ડ મળ્યો છે તે બહુ મોટી વાત છે.’ માનસી પારેખ જણાવે છે કે, ‘ઘણી વખત કામ સારું હોય તો તે લોકો સુધી નથી પહોંચતું અને ઘણીવાર લોકો સુધી પહોંચે તો તેની યોગ્ય કિંમત અંકાતી નથી પરંતુ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને બંને મળ્યું છે તે ભગવાનના આશીર્વાદ છે.’ આજકાલ ખૂબ સારું કામ થઈ રહ્યું છે ત્યારે તમારું કામ લોકોથી અલગ હોય તો નજરમાં આવે છે સ્ટ્રગલ બધાની ચાલતી હોય છે પરંતુ સફળતાના શિખર પર કોઈ એક જ હોય છે.
આ એવોર્ડના કારણે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધશે.અનેક લોકો પોતાના વતનથી દૂર વિદેશમાં વસતા હોય છે ત્યારે ફિલ્મ દ્વારા તેમનું ભાષા અને વતન સાથેનું કનેક્શન જળવાઈ રહેશે.
ભવિષ્યના સ્વપ્ન વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ તો હજુ એક પગથિયું છે ઘણું કામ કરવાનું બાકી છે અને ઘણા બધા પ્લાન છે, માનસી પારેખ ગોહિલને તેના ઉજજવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
પોતાની જાતને રિસ્પેક્ટ આપો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, ‘દરેક સ્ત્રીમાં ભગવાને એક શક્તિ મુકેલ છે જેની ઓળખ ખુદ સ્ત્રીને જ હોતી નથી પરંતુ તે શક્તિને ઓળખો અને તેનો ઉપયોગ કરો. પોતાની જાતને રિસ્પેક્ટ આપશો તો બીજા લોકો પણ રિસ્પેક્ટ આપશે.’
માનસી પારેખને…
4 ચાઈનીઝ ફૂડ ખૂબ ભાવે છે,ઘરના દાળ-ભાત, શાક, રોટલી, મેથીનું શાક અને વેજીટેબલ્સ ખૂબ ભાવે છે…
4 લૂઝ અને કમ્ફર્ટબલ ક્લોથ ગમે છે…
4 હિન્દી ફિલ્મ અભિનેતામાં અમિતાભ, નસીરૂદ્દીન શાહ, રત્ના પાઠક શાહ ગમે છે….
4 હિન્દી ફિલ્મ ગીતોમાં એ.આર.રહેમાનના બધા જ ગીતો ગમે છે…
4 ફરવા માટે ઇન્ડિયાની દરેક જગ્યા ગમે છે તો ફોરેનમાં યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ગમે છે
WRITTEN BY :~ BHAVNA DOSHI