WPL, રોયલ ચેલેન્જર્સને 19 રને હરાવી ગુજરાત જાયન્ટ્સની પ્રથમ જીત
- લૌરા વોલ્વાડે 45 બોલમાં 76 રન અને કેપ્ટન બેથ મૂનીએ 51 બોલમાં 85 રન ફટકાર્યા
ડબલ્યુપીએલ 2024 ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું: ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રને હરાવીને ડબલ્યુપીએલ 2024ની તેમની પ્રથમ જીત નોંધાવી છે. ગુજરાતની આ જીત સતત ચાર મેચ હાર્યા બાદ મળી છે. આ પછી જ ગુજરાત માટે ટોપ થ્રીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની તક છે.
વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની 13મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ વખત બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડબલ્યુપીએલ 2024માં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ટોસ જીતનાર કેપ્ટને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ગુજરાત માટે કેપ્ટન બેથ મૂનીએ કેપ્ટનશીપની ઇનિંગ રમી અને શાનદાર અડધી સદી ફટકારી. જેના આધારે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવવામાં સફળ રહી હતી. 200 રનનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 180 રન બનાવી શકી અને 19 રનથી મેચ હારી ગઈ. ડબલ્યુપીએલ 2024માં ગુજરાતની આ પ્રથમ જીત છે. જ્યારે બેંગ્લોરની આ ત્રીજી હાર છે.
બેથ મૂનીએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટને આ નિર્ણયને સાચો સાબિત કર્યો અને લૌરા વોલ્વાર્ડ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 13 ઓવરમાં 140 રનની શાનદાર શરૂૂઆત અપાવી. લૌરા વોલ્વાર્ડે આ મેચમાં 45 બોલનો સામનો કરીને 76 રનની જોરદાર ઇનિંગ રમી હતી. વોલ્વાર્ડની આ વિસ્ફોટક ઇનિંગમાં 13 ચોગ્ગા સામેલ હતા. લૌરાની વિકેટ ગુમાવવા છતાં, બીજા છેડેથી કેપ્ટન બેથ મૂનીએ બેંગ્લોરના બોલરો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું અને 51 બોલમાં 85 રનની શાનદાર ઇનિંગ રમી. બેથ મૂનીની આ ઇનિંગમાં તેણે 12 ચોગ્ગાની સાથે 1 સિક્સર પણ ફટકારી હતી.
બેથ મૂની અને લૌરા વોલ્વાર્ડની જોરદાર ઇનિંગ્સના કારણે ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. બેંગ્લોરના લગભગ દરેક બોલરે ઘણા રન આપ્યા હતા. બેંગ્લોર માટે, સોફી મોલિનક્સ અને જ્યોર્જિયા વેરહેમે એક-એક વિકેટ લીધી હતી, પરંતુ આ એક વિકેટ માટે પણ તેઓએ 30 થી વધુ રન ખર્ચ્યા હતા. જ્યારે ગુજરાતના ત્રણ બેટ્સમેન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા છે.