વિમેન્સ પ્રીમિયર લીગ: મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી જીત, ગુજરાતને 5 વિકેટે હરાવ્યું
વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સને સિઝનમાં સતત બીજી જીત મળી છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છેલ્લા બોલે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 127 રનનો ટાર્ગેટ હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.1 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના 2 મેચમાં 4 પોઈન્ટ થઈ ગયા છે. સાથે જ હરમનપ્રીત કૌરની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ગુજરાત જાયન્ટ્સની તનુજા કંવર સૌથી સફળ બોલર રહી હતી. તનુજા કંવરે મુંબઈ ઈન્ડિયન્સના 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ સિવાય કેથરીન બ્રુસ અને લી તાહુહુને 1-1 સફળતા મળી હતી. જ્યારે નેટ સીવર બ્રન્ટ રન આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 9 વિકેટે 126 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ તરફથી તનુજા કંવરે 21 બોલમાં સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. કેથરિન બ્રુસે 24 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે બેથ મૂનીએ 22 બોલમાં 24 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ માટે એમેલિયા કેર સૌથી સફળ બોલર રહી હતી. એમેલિયાએ 4 ઓવરમાં 17 રન આપીને 4 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે શબનિમ ઈસ્માઈલે 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય નેટ સીવર બ્રન્ટ અને હેલી મેથ્યુઝને 1-1 સફળતા મળી હતી.