બદલાપુરની ઘટના બાબતે વડાપ્રધાન મોદી કેમ મૌન?
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડરની ઘટનાએ દેશભરનાં લોકોને ખળભળાવી મૂક્યાં છે ત્યાં મહારાષ્ટ્રના થાણેના બદલાપુરની એક શાળામાં બનેલી ઘટનાએ સૌને હતપ્રભ કરી નાંખ્યાં છે. માત્ર 3-4 વર્ષની બે છોકરીઓને હવસનો શિકાર બનાવનાર તો માનસિક વિકૃત કહેવાય જ પણ પોલીસ અને નેતાઓ પણ આ ઘટનામાં સાવ અસંવેદનશીલ બનીને વર્તી રહ્યાં છે એ જોઈને વધારે આઘાત લાગે છે. સ્કૂલના કારભારીઓને આ વાતની ખબર પડી તો તેમણે વાતને દબાવીને છોકરીઓ ઘરે મોકલી દીધી ને કંઈ ન બન્યું હોય એમ વર્તવા માંડ્યા. છોકરીઓએ ઘરે જઈને વાત કરી પછી તેમનો પરિવાર ફરિયાદ નોંધાવવા ગયો તો પોલીસે તેમની વાત સાંભળી નહીં. પોલીસે છોકરીઓનાં માતા-પિતાને 11 કલાક લગી બેસાડી રાખ્યાં.
પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં 12 કલાક લગાડી દેવાયા. પોલીસે ફરિયાદ પણ લોકો ભડકેલાં છે એ જોયા પછી લીધી. આ ઘટનાની વાત આવતાં ભડકેલાં લોકોએ પહેલા શાળામાં તોડફોડ કરી અને પછી બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકીને આક્રોશ વ્યક્ત કર્યો. હજારો લોકો પાટા પર ગોઠવાઈ જતાં લોકલ ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. લોકોના વિરોધને કારણે કલ્યાણ-બદલાપુર લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ. પોલીસે ભીડને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા તો સામે લોકોએ પથ્થરમારો શરૂૂ કરતાં રેલવે સ્ટેશન રણમેદાનમાં ફેરવાઈ ગયેલું. લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા તો સામે પોલીસે પણ દંડાવાળી કરીને લોકોને ઝૂડી નાખતાં અનેક લોકો ઘાયલ થયા છે. આઘાતની વાત એ છે કે, ભાજપના નેતા એવું કહી રહ્યા છે કે, બદલાપુર સ્ટેશને ભેગાં થયેલાં લોકો બદલાપુરનાં હતાં જ નહીં પણ બહારથી આવેલાં હતાં.
સ્કૂલ આવેલી છે એ વિસ્તારનાં મહિલા નિરીક્ષક શુભદા શિતોલેની બદલી કરી દવામાં આવી છે. શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને માતા-પિતાને બેસાડી રાખનારા ત્રણ પોલીસોને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પણ સફાળી જાગી છે અને આ કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. મહારાષ્ટ્રના બદલાપુરમાં બનેલી ઘટના કોલકાત્તાની ઘટના જેટલી જ આઘાતજનક અને શરમજનક છે. કોલકાત્તામાં ભાજપ વિરોધી મમતા બેનરજીની સરકાર છે ને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના-એનસીપીની સરકાર છે તેથી કંઈ કહેવાય નહીં.
કોલકાત્તાની ઘટનાનો લાલ કિલ્લા પર ઊભા રહીને ઉલ્લેખ કરનારા મોદી અત્યાર સુધી તો બદલાપુરની ઘટના વિશે બોલ્યા નથી પણ આશા રાખીએ કે, આ ઘટનાની પણ એ ટીકા કરે. મોદી ખાલી ભાજપ શાસિત રાજ્યોના નહીં પણ આખા દેશના વડાપ્રધાન છે એ જોતાં રાજકારણી તરીકે વર્તવાના બદલે એ દેશના વડા પ્રધાન તરીકે વર્તે એવી આશા વધારે પડતી નથી જ ને? મોદી માટે કોલકાત્તા અને બદલાપુર બંને ટેસ્ટ કેસ છે. મોદીએ લાલ કિલ્લા પર ઊભા રહીને આક્રોશ વ્યક્ત કરી લીધો, હવે એક્શનનો ટાઈમ છે. આશા રાખીએ કે, મોદી એક્શનમાં આવે ને સાબિત કરે કે, પોતે ખાલી બોલવામાં જ શૂરા નથી.