મંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?
આક્રમણખોરો દ્વારા નાશ પામેલા મંદિરોને પુન:જીવિત કરવાની માંગ ખોટી નથી: ભાગવતના નિવેદનનો જવાબ આપતા શંકરાચાર્ય-રામભદ્રાચાર્ય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટા પાયે હિન્દુ સમાજને આપેલી સલાહથી હિન્દુ ધર્મગુરુઓ ખુશ હોય તેવું લાગતું નથી.
ભાગવતે સમગ્ર દેશમાં કોઈ નવો મંદિર-મસ્જિદ વિવાદ ન સર્જવા જણાવ્યું હતું. રવિવારે જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ ભાગવતના વિચારો સાથે સખત અસંમતિ વ્યક્ત કરી હતી. સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, હું મોહન ભાગવતના નિવેદન સાથે સંપૂર્ણપણે અસંમત છું.
ભાગવતે ગુરુવારે મંદિર-મસ્જિદ વિવાદોના પુનરુત્થાન પર ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને આવા મુદ્દા ઉઠાવવાથી બચવાની સલાહ આપી હતી. તેમની ટિપ્પણીમાં, ભાગવતે કહ્યું કે મંદિર-મસ્જિદ વિવાદો ઉભા કરીને કોઈ હિંદુઓના નેતા ન બની શકે.
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા સ્વામી રામભદ્રાચાર્યએ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હિંદુઓની તરફેણમાં તથ્યો બહાર આવી રહ્યા છે તે સારી વાત છે. તેમણે કહ્યું, અત્યારે સંભલમાં જે થઈ રહ્યું છે તે ખૂબ જ ખરાબ છે. જો કે, સકારાત્મક પાસું એ છે કે વસ્તુઓ હિંદુઓની તરફેણમાં પ્રકાશમાં આવી રહી છે. અમે તેને અદાલતો દ્વારા, મતપેટી દ્વારા અને સરકારના સમર્થનથી સુરક્ષિત કરી શકીએ છીએ.
દરમિયાન ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ ભાગવતની ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી હતી. શંકરાચાર્યએ જણાવ્યું હતું કે હિંદુઓએ ઐતિહાસિક રીતે અસંખ્ય અત્યાચારોનો સામનો કર્યો છે અને આક્રમણકારો દ્વારા નાશ પામેલા મંદિરોને પુનજીર્વિત કરવાની માંગ કરવામાં કંઈ ખોટું નથી. તેમણે કહ્યું, મોહન ભાગવત તેમની અનુકૂળતા મુજબ બોલે છે. જ્યારે તેમને વોટની જરૂૂર હતી ત્યારે તેઓ મંદિરો પર જ બોલતા રહ્યા અને હવે તેઓ કહી રહ્યા છે કે હિંદુઓએ મંદિરોની શોધ ન કરવી જોઈએ.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ માંગ કરી હતી કે આક્રમણકારો દ્વારા નાશ પામેલા મંદિરોની યાદી તૈયાર કરવામાં આવે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) દ્વારા સર્વે કરવામાં આવે જેથી મંદિરોને ફરીથી ખોલી શકાય.