સંસદ ભવનની બહાર એક વ્યક્તિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પોતાની જાતને લગાવી આગ, હાલત ગંભીર
દિલ્હીમાં નવા સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી હતી. ઘટનામાં ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
દિલ્હીમાં નવા સંસદ ભવન પાસે રેલ ભવન પાસેના પાર્કમાં પોતાની જાતને આગ લગાવી દીધી હતી. જે બાદ તે સંસદ ભવન તરફ ભાગવા લાગ્યો હતો. આ વ્યક્તિ યુપીના બાગપતનો રહેવાસી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે.આ ઘટનામાં સ્થળ પરથી બે પાનાની અડધી બળી ગયેલી નોટ મળી આવી હતી.
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીના જણાવ્યા અનુસાર, કોલ બપોરે 3.35 વાગ્યે આવ્યો હતો. જેમાં યુવકે આગ લગાવી હોવાની ચર્ચા હતી. આના પર અમે એક વાહન સ્થળ પર મોકલ્યું.
અધિકારીએ કહ્યું કે સંસદની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓએ વ્યક્તિને રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં દાખલ કર્યો. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી અડધી બળેલી 2 પાનાની સુસાઈડ નોટ, પેટ્રોલ, બળેલી બેગ અને શૂઝ મળી આવ્યા હતા. યુવકે જ્યાં આગ લગાવી તે જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.