ન્યાય જોઇએ છે પણ મુસ્લિમો, કાશ્મીરીઓ વિરૂધ્ધ નફરત ન ફેલાવો: શહીદની પત્ની
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલનો ગઇકાલે જન્મદિવસ હતો. શહીદ વિનય નરવાલના જન્મદિવસ નિમિત્તે, હરિયાણાના કરનાલમાં તેમના પરિવાર દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.
આ હૃદયસ્પર્શી અવસરે, વિનય નરવાલના પત્ની હિમાંશીએ એક મોટું અને અત્યંત ભાવુક નિવેદન આપ્યું છે. હિમાંશીએ ઉપસ્થિતોને અને દેશવાસીઓને વિનય માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી કે, હું ઈચ્છું છું કે આખો દેશ તેમના માટે પ્રાર્થના કરે કે તેઓ જ્યાં પણ હોય, સ્વસ્થ અને ખુશ રહે.
આ ગંભીર દુર્ઘટના બાદ દેશમાં ફેલાઈ રહેલા નફરતના માહોલ અંગે હિમાંશીએ અત્યંત સંવેદનશીલ વાત કહી. તેમણે જણાવ્યું, જે થઈ રહ્યું છે તેના માટે હું કોઈના પ્રત્યે કોઈ નફરત ઇચ્છતી નથી. તેમણે ખાસ કરીને અપીલ કરી કે, લોકો મુસ્લિમો કે કાશ્મીરીઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે, અમને આ નથી જોઈતું. અમને શાંતિ જોઈએ છે.
જોકે, શાંતિની અપીલ સાથે તેમણે ન્યાયની માંગણી પણ કરી. તેમણે કહ્યું, અલબત્ત અમે ન્યાય ઇચ્છીએ છીએ, જેમણે તેની સાથે અન્યાય કર્યો છે તેમને સજા થવી જોઈએ.
તેમણે ઉમેર્યું કે આજે તેઓ બધા વિનયની યાદમાં રક્તદાન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.