બિહારમાં મતદાર સમીક્ષા કવાયત વિપક્ષો માટે રાજકીય હથિયાર બની ચૂકી છે
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને ગણીને ચાર મહિના બચ્યા છે ત્યારે એ પહેલાં જ કેન્દ્રીય ચૂંટણી પંચે વોટર વેરિફિકેશન શરૂૂ કરતાં બબાલ થઈ ગઈ છે. કોંગ્રેસ અને આરજેડી સહિતના વિરોધ પક્ષોએ ચૂંટણી પહેલા થઈ રહેલા વોટર વેરિફિકેશનના વિરોધમાં બાંયો ચડાવી છે અને વિપક્ષોએ સંયુક્ત રીતે ગઇકાલે બિહાર બંધ પણ પળાવ્યો. વિપક્ષોનો આક્ષેપ છે કે, ભાજપના ઈશારે ચૂંટણી પંચ વોટર વેરિફિકેશનનું તૂત ચલાવીને આરજેડી અને કોંગ્રેસ સહિતના વિપક્ષોના સમર્થક મતદારોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો કારસો કરી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપ આ જ ખેલ કરીને ચૂંટણી જીતેલો ને બિહારમાં પણ હવે એ જ દાવ અજમાવી રહ્યો છે. ભાજપનો આ કહેવાતો દાવ સફળ ના થાય એટલે વિપક્ષો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચૂંટણી માટે એક મોટો મુદ્દો ઊભો કરવા મથામણ કરી રહ્યા છે.
કોંગ્રેસ-આરજેડી કાર્યકરોએ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધા ને રેલવે ટ્રેક પણ બ્લોક કરીને ટ્રેન વ્યવહાર પણ ઠપ્પ કરી દીધો. બિહારમાં ઠેર ઠેર વિપક્ષોના કાર્યકરો દ્વારા રસ્તા બંધ કરવામાં આવ્યાં તેમાં સેંકડો વાહનો જામમાં ફસાઈ ગયાં ને ટ્રેનો રોકવામાં આવી તેમાં હજારો મુસાફરો રઝળી પડયા. બિહારમાં વિપક્ષો હિંસા પર ઉતરીને ખોટું કરી રહ્યા છે તેમાં બેમત નથી પણ કેન્દ્રીય ચૂંટણી પંચ પણ સાવ નિર્દોષ નથી જ. બલ્કે ચૂંટણી પંચે પેટ ચોળીને આ શૂળ ઊભું કર્યું છે. સામાન્ય રીતે કોઈ પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલાં મતદાર સુધારણાનું કામ થતું હોય છે. બિહારમાં પણ કેન્દ્રીય ચૂંટણી પંચે પણ નવેમ્બરમાં થનારી ચૂંટણી માટે મતદાર સુધારણાનું જ કામ હાથ ધર્યું છે પણ તેમાં જે શરતો રાખી છે તેના કારણે બબાલ થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ મતદારોને એક ફોર્મ આપ્યું છે.
દરેક મતદારે પોતે મતદાર છે એ સાબિત કરવા માટે આ ફોર્મ ભરીને પાછું આપવાનું છે. વિરોધનો મુદ્દો એ છે કે, આ વેરિફિકેશન માટે રેશન કાર્ડ કે આધાર કાર્ડ જેવા દસ્તાવેજો માન્ય નહીં ગણાય. વેરીફિકેશન માટે ચૂંટણી પંચે 12 દસ્તાવેજોને માન્ય ગણ્યા છે. આ દસ્તાવેજોમાં સરકાર દ્વારા જમીનની ફાળવણી, બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, જ્ઞાતિનું પ્રમાણપત્ર, બોર્ડ કે યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોને માન્ય ગણવામાં આવશે. આ શરત વિચિત્ર કહેવાય કેમ કે દેશમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજ માટે આધાર કાર્ડ માન્ય ગણાય છે.