માતા વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ગુસ્સેથી ભરાયેલા ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, જુઓ VIDEO
જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સૂચિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ ચાલુ છે. આજે સેંકડો લોકોએ આ પ્રોજેક્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. દેખાવકારોએ સુરક્ષાદળોના વાહનોને ઘેરી લીધા હતા અને સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. પોલીસ કર્મચારીઓ વાહનમાંથી બહાર આવ્યા અને ટોળાને ઘણું સમજાવ્યું. આ પછી પણ ભીડનો ગુસ્સો ઓછો થતો જણાતો નથી તેમનું આંદોલન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી રોપવે પ્રોજેક્ટનો સ્થાનિક લોકો છેલ્લા ચાર દિવસથી વિરોધ કરી રહ્યા છે. 22 નવેમ્બરથી શરૂ થયેલા વિરોધમાં કટરાના પાલખી માલિકો અને મજૂરો સામેલ છે. આ પહેલા રવિવારે સ્થાનિક લોકોએ રેલી કાઢીને રોપવે પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. દેખાવકારોએ નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ બહાર દેખાવો પણ કર્યા હતા. વિરોધીઓનું કહેવું છે કે રોપ-વે પ્રોજેક્ટને કારણે તેઓ બેરોજગાર થઈ જશે.
માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે તારાકોટ માર્ગ અને સાંઝી છટ વચ્ચે 12 કિલોમીટર લાંબો રોપવે બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 250 કરોડનો ખર્ચ થશે. પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જ કામદારોનું આંદોલન શરૂ થઈ ગયું છે. પ્રોજેક્ટના અમલીકરણની જાહેરાત બાદ દુકાનદારો, પાલખી માલિકો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આંદોલનકારીઓએ પ્રોજેક્ટ બંધ કરવાની માંગ કરી છે. અથવા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકોના પુનર્વસનની વાત કરવામાં આવી છે.