ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક; ગેસ-બાટલા ભરેલો ટ્રક ઘુસી ગયો
રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માના કાફલાને અકસ્માત નડ્યો હતો. હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની સુરક્ષામાં પણ મોટી ચૂક સામે આવી છે. એરપોર્ટ પરત ફરતી વખતે ગેસ સિલિન્ડરોથી ભરેલી ટ્રક અચાનક ઉપરાષ્ટ્રપતિના કાફલામાં ઘુસી ગઈ હતી.
આ ઘટના બુધવારે સાંજે 4.10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર લઘુ ઉદ્યોગ ભારતીના સોહન સિંહ સ્મૃતિ કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ એરપોર્ટ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ કાફલો સીતાપુરાથી જગતપુરાના અક્ષયપાત્ર સર્કલ પાસે આવી રહ્યો હતો. આ દરમિયાન સીતાપુરા તરફથી આવી રહેલી ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક કાફલામાં ઘૂસી ગઈ હતી. ટ્રક કાફલા સાથે ધીમી ગતિએ આગળ વધી રહી હતી. ટ્રાફિક પોલીસકર્મીએ પણ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાફલો તેજ ગતિએ ત્યાંથી પસાર થયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
નોંધનીય છે કે, લગભગ એક કલાક પહેલા આ ચોક પર એક કાર મુખ્યમંત્રીના કાફલામાં ઘૂસી ગઈ હતી. જેમાં એક એએસઆઇ સહિત 2 લોકો મૃત્યુ નિપજ્યા હતા અને 4 પોલીસકર્મીઓ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.