દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. "હી-મેન" તરીકે જાણીતા આ અભિનેતાના અવસાનથી દેશભરમાં શોકની લહેર છવાઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. તેમને ઘરે લઈ જવામાં આવ્યા અને ઘરેથી સારવાર આપવામાં આવતી હતી. થોડા દિવસો પહેલા જ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
IANS અહેવાલ મુજબ ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. તેમનો જન્મ 8 ડિસેમ્બર, 1935 ના રોજ પંજાબના નસરાણી ગામમાં થયો હતો.
શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી
ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર, 2025ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 10 નવેમ્બરના રોજ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમનો આખો પરિવાર તેમને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. હેમા માલિની, સની દેઓલ, એશા દેઓલ, કરણ દેઓલ અને રાજવીર દેઓલ, અભય દેઓલ બધા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.