ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, એકસાથે 3 વાહન ટકરાતાં એક જ પરિવારના 5 લોકોના મોત
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અક્સમાતમાં બે કાર અને ઓટો રીક્ષા વચ્ચે ભયંકર ટક્કર થતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ગઈ કાલે (પાંચમી સપ્ટેમ્બર) મોડી રાત્રે લખનૌ-મહમુદાબાદ રોડ પર બદ્દુપુર વિસ્તારના ઇનૈતાપુર ગામ પાસે બે કાર અને ઓટો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક કાર રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણની હાલત ગંભીર છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે હાજર હતા.
મળતી માહિતી મુજબ ફતેહપુરથી લખનૌ તરફ જઈ રહેલી એક ઝડપી કારે પહેલા એક ઓટોને ટક્કર મારી હતી. જે બાદ તે સામેથી આવતી અન્ય કાર સાથે અથડાઈ હતી અને તળાવમાં ગઈ હતી. આ અકસ્માતમાં ઓટોમાં સવાર તમામ 8 લોકો રોડ પર પડી ગયા હતા અને ઘાયલ થયા હતા.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોની ઓળખ એહતેશામના પુત્ર ઈરફાન, સ્વર્ગસ્થ અનવર અલીની પત્ની વહિદુન નિશા, મોહરમ અલીનો પુત્ર અઝીઝ અહેમદ, ઝાકિર અલીની પુત્રી તાહિરા બાનો અને તારિક કાઝમીની પત્ની સબરીન તરીકે થઈ છે. તમામ બારાબંકી જિલ્લાના કુર્સી વિસ્તારના ઉમરા ગામના એક જ પરિવારના રહેવાસી છે. આ સિવાય ઓટોમાં મુસાફરી કરી રહેલા લોકો કોઈ સંબંધીના મોતનો શોક મનાવવા જઈ રહ્યા હતા. ઓટો સવાર શાયરા બાનો પત્ની અઝીઝ અહેમદ, એક છોકરી અક્સા પુત્રી સારીક, વરુણા કાર ચાલક ખુર્દ ગામની નંદના વિવેક ઘાયલ થયા છે.
બારાબંકીના જિલ્લા મેજિસ્ટ્રેટ સત્યેન્દ્ર કુમાર અને પોલીસ અધિક્ષક દિનેશ સિંહે જણાવ્યું કે બદ્દુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. તમામને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. અહીં ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાંથી બે કાર અને એક ઓટો હતી.