કોલકાતામાં નિર્માણાધીન પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં બેનાં મોત
- 14 લોકોને કાટમાળમાંથી બચાવાયા, હજુ પણ અનેક ફસાયેલા હોવાની શંકા
દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝમાં કાલે મોડી રાત્રે ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં નિર્માણાધીન પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને બચાવવા માટે ફાયર અને ઈમરજન્સી સેવા સ્થળ પર હાજર છે અને કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.
પશ્ચિમ બંગાળ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 14 લોકોને ઈમારતના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ ઘટના સ્થળે હાજર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળ નીચે ફસાયેલા બચેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પાંચ માળનું નિર્માણાધીન ઈમારત ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં આવેલી હતી.
આ ઘટના મધરાતના સુમારે બની હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, પરવિવારે મોડી રાત્રે ગાર્ડન રીચ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. અમે કેટલાક લોકોને બચાવ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ ધરાશાયી થતાં પહેલા કોંક્રીટના ટુકડા પડી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ જોરદાર અવાજ આવ્યો અને ધૂળના ગાઢ વાદળોએ વિસ્તારને આવરી લીધો. તેમણે જણાવ્યું કે કાટમાળ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં નજીકની ઝૂંપડીઓ પર પડ્યો. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, જો કે બાંધકામ હેઠળની ઈમારતમાં કોઈ રહેતું ન હતું, પરંતુ તે બાજુની ઝૂંપડપટ્ટી પર તૂટી પડ્યું હતું. અમને આશંકા છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.