બિહારમાં એઈમ્સની નર્સના બે બાળકોને ઘરમાં જીવતા સળગાવ્યા
બિહારમાં ગુનેગારોનો આતંક ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. પટનાના જાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપરાધીઓએ એક દર્દનાક અને કમકમાટીભરી ઘટનાને અંજામ આપ્યો છે. અહીં, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં ફરજ બજાવતી એક નર્સના બે માસૂમ બાળકોને ઘરમાં ઘૂસીને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટના ગુરુવાર બપોરે બની હતી, જ્યારે બાળકો શાળાએથી આવ્યા બાદ ઘરમાં એકલા હતા. મૃતક બાળકોના નામ અંજલિ અને અંશ છે, જેઓ શોભા અને લલન કુમાર ગુપ્તાના સંતાનો હતા.
જાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી શોભા અને લલન કુમાર ગુપ્તાના બાળકો અંજલિ અને અંશ જ્યારે ઘરમાં એકલા હતા, ત્યારે અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બાળકો શાળાએથી આવ્યા બાદ આ ક્રૂર કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને બાળકોના મૃતદેહનો કબજો લીધો હતો.
આ મામલે ફૂલવારી શરીફના ડીએસપી-2 દીપક કુમારએ જણાવ્યું કે, બે બાળકોને જીવતા સળગાવી દેવાની ઘટના સામે આવી છે. અમે ઘટનાસ્થળે છીએ અને તપાસ ચાલુ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો ઘટના સમયે ઘરમાં એકલા હતા.