પોપ ફ્રાન્સિસના નિધનથી ભારતમાં ત્રણ દી’નો શોક
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોપ ફ્રાન્સિસના નિધનના સન્માનના પ્રતિક રૂૂપે સમગ્ર ભારતમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. રાજ્ય શોક મંગળવાર, 22 એપ્રિલ, 2025 અને બુધવાર, 23 એપ્રિલ, 2025 એમ બે દિવસ માટે રહેશે. આ ઉપરાંત, તેમના અંતિમ સંસ્કારના દિવસે પણ એક દિવસનો રાજ્ય શોક પાળવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, સમગ્ર ભારતમાં જે ઇમારતો પર નિયમિત રૂૂપે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજનના કાર્યક્રમો યોજાશે નહીં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સોમવારે સવારે વેટિકન સિટીમાં થયેલી મૃત્યુની જાહેરાત બાદ શોક સંદેશ પાઠવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું અવસાન ઊંડો આઘાત છે. દુ:ખની આ ઘડીમાં હું વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.