આ જ જોવાનું બાકી હતું; એર ઇન્ડિયાની વિમાનની પાંખ નીચે પંખીએ માળો બાંધ્યો
મુંબઇથી બેંગકોક જતી ફલાઇટ પાંચ કલાક મોડી ઉપડી
ગુજરાત મિરર, મુંબઇ તા.28
મુંબઈથી બેન્ગકોક જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2354 સવા પાંચ કલાક મોડી પડી હતી. એનું કારણ હતું પ્લેનની પાંખ નીચે પંખીએ બાંધેલો માળો. 25 જૂને આ ફ્લાઇટ મુંબઈથી સવારે 7.45 વાગ્યે ઊપડવાની હતી, જે બપોરે એક વાગ્યે ઊપડી હતી.
પ્લેનમાં મુસાફરોના બેઠા પછી પ્લેનની પાંખ નીચેથી માળા માટેનું સૂકું ઘાસ મળી આવ્યું હતું. એ કાઢવામાં સમય લાગતાં મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા જ્યાં તેમને નાસ્તો આપવામાં આવ્યો હતો એમ ઍર ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. ઉપરાંત ફ્લાઇટના ક્રૂ-મેમ્બર્સની ડ્યુટીના કલાકો પૂરા થતા હોવાથી બીજા ક્રૂ-મેમ્બર્સ ડ્યુટી પર હાજર થયા બાદ ફ્લાઇટ ઊપડી હતી. 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)એ ઍરપોર્ટ તેમ જ ઍરલાઇન્સની સઘન તપાસનો આદેશ આપ્યો હતો.
એમાં ઍરક્રાફ્ટ મેઇન્ટેનન્સ અને ઍરપોર્ટ તથા ઍરલાઇન્સના કામકાજમાં અનેક ખામીઓ જણાઈ હતી. આ તપાસના અમુક દિવસ બાદ જ મુંબઈ ઍરપોર્ટ પર પ્લેનની પાંખ નીચેથી માળો મળી આવતાં ફરી એક વાર ઍર ઇન્ડિયાની સેફટી પર પ્રશ્નો ઊભા થયા હતા.