આ 4 મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્નથી સન્માન, લાલકૃષ્ણ અડવાણીને કાલે એનાયત કરાશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે (30 માર્ચ) દેશની ચાર હસ્તીઓને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પી.વી. નરસિમ્હા રાવ, કૃષિ વૈજ્ઞાનિક ડૉ એમએસ સ્વામીનાથન અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર. બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નથી સન્માનિત કરવાના હતા, પરંતુ આજે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર રહ્યા ન હતા પરંતુ 31 માર્ચે રાષ્ટ્રપતિ તેમના ઘરે જઈને તેમનું સન્માન કરશે. અડવાણી સિવાય તમામ 4 વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવનો ભારત રત્ન એવોર્ડ તેમના પુત્ર પીવી પ્રભાકર રાવને મળ્યો હતો. એ જ રીતે એમએસ સ્વામીનાથનનો ભારત રત્ન એવોર્ડ તેમની પુત્રી ડો. નિત્યા રાવને મળ્યો છે. કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ તેમના પુત્ર રામનાથ ઠાકુરને મળ્યો છે. જ્યારે ચૌધરી ચરણ સિંહનો ભારત રત્ન એવોર્ડ તેમના પૌત્ર જયંત ચૌધરીના હાથમાં આપવામાં આવ્યો છે.
કેન્દ્રએ આ વર્ષે 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. 2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 હસ્તીઓ સહિત, અત્યાર સુધી આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 હશે.