રાજસ્થાનમાં ફેકટરી સામે ખેડૂતોનો હિંસક વિરોધ, પથ્થરમારો-લાઠીચાર્જ
14 વાહનો ફૂંકી માર્યા, હનુમાનગઢ જિલ્લામાં શાળા-કોલેજો-ઇન્ટરનેટ બંધ, લાઠીચાર્જમાં કોંગ્રેેસના ધારાસભ્ય પણ ઘવાયા
રાજસ્થાનના હનુમાનગઢ વિસ્તારના ઇથેનોલ ફેકટરીના મામલે ભડકેલી હિંસામાં ખેડુતોએ 14થી વધુ વાહનોને આગ ચાપી દીધી હતી. પોલીસના લાઠીચાર્જમાં કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પૂનિયાને પણ માથામાં ઇજા પહોંચી હતી. હજુ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરી બનાવવા મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આજે તણાવ વધવાની આશંકા છે. કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ગુરુવાર સવારથી ખેડૂતોનું પ્રદર્શન સ્થળ નજીકના ગુરુદ્વારામાં પહોંચવાનું શરૂૂ થઈ ગયું છે. આજે પણ જિલ્લાના ટિબ્બી વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ છે.
બુધવારે ખેડૂતોએ જિલ્લાના રાઠીખેડા ગામમાં નિર્માણાધીન ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીની દીવાલ તોડી નાખી. ત્યારબાદ ભડકેલી હિંસામાં ભારે આગચંપી અને પથ્થરમારો થયો હતો. લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ 14 વાહનોને આગ ચાંપી દીધી. કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પૂનિયાને પણ લાઠીચાર્જમાં માથામાં ઈજા થઈ છે. હિંસામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે, તણાવને કારણે આ વિસ્તારમાં શાળા-કોલેજ અને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
ફેક્ટરીની દીવાલ તોડતા પહેલા ખેડૂતોએ મહાપંચાયત પણ કરી હતી. નેતાઓનો આરોપ છે કે પ્રશાસને તેમને લેખિતમાં ફેક્ટરીનું કામ રોકવાની ખાતરી આપી ન હતી. પ્રદર્શનકારી ખેડૂતોએ ફેક્ટરીમાં ઉભેલી ગાડીઓને સળગાવી દીધી. મોડી રાત્રે જિલ્લા પ્રશાસને સત્તાવાર રીતે 14 ગાડીઓને સળગાવવાની જાણકારી આપી છે. આગચંપી વચ્ચે પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટિયર ગેસના શેલ પણ છોડ્યા. અધિકારીઓએ જણાવ્યું કે સંઘર્ષમાં બંને તરફથી ઘણા લોકો ઘાયલ થયા છે. સંગરિયાના ધારાસભ્ય અભિમન્યુ પૂનિયા પણ લાઠીચાર્જમાં ઘાયલ થયા. માહિતી અનુસાર તેમના માથા પર 3 ટાંકા આવ્યા છે. તેમને હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
ટિબ્બી અને રાઠીખેડામાં 1500થી વધુ પોલીસ કર્મચારીઓ, આરએસી કર્મચારીઓ અને હોમગાર્ડ્સ તહેનાત છે. બજારો ખુલ્લા છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોય તેવું લાગે છે. કોંગ્રેસના ધારાસભ્ય અને શ્રીગંગાનગર જિલ્લા પ્રમુખ રૂૂપિન્દર કુન્નાર પણ આ બેઠકમાં હાજરી આપશે.
કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) સહિત અનેક પક્ષોના નેતાઓએ આંદોલનને સમર્થન આપ્યું છે. બુધવારે યોજાયેલી મહાપંચાયતમાં હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનોના નેતાઓએ પણ ભાગ લીધો હતો. ગુરુદ્વારા તિબ્બીમાં 100થી વધુ ખેડૂતો રાત્રિ રોકાણ કર્યું હતું. જેમ જેમ સવાર થાય છે તેમ તેમ વધુ ખેડૂતો ગુરુદ્વારામાં આવી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યે ગુરુદ્વારા સિંહ સભા ખાતે ખેડૂતોની બેઠક યોજાશે, જ્યાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
ગુરુવારે સવારે, હનુમાનગઢ શહેરની બહાર ટિબ્બી ચાર રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં કોઈ પોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવ્યો ન હતો. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. આ દરમિયાન, કોંગ્રેસના નેતા શબનમ ગોદારાએ જણાવ્યું છે કે ખેડૂતોની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી કંપનીને પર્યાવરણીય મંજૂરી અને સ્થાનિક રહેવાસીઓની સંમતિ નહીં મળે ત્યાં સુધી તેઓ ફેક્ટરી બનાવવા દેશે નહીં. આ દરમિયાન, કંપનીના ડિરેક્ટરો, જતિન્દર અરોરા અને રોબિન જિંદાલ દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. વિસ્તારમાં તણાવ હજુ પણ છે.
ટિબ્બી શહેર અને આસપાસના ગામોમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બધી શાળાઓ, કોલેજો અને દુકાનો બંધ છે. ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ શ્રીગંગાનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કરણપુરના ધારાસભ્ય રુપિન્દર સિંહ કુન્નરે હજારો કાર્યકરો સાથે રાઠીખેડા જવાની જાહેરાત કરી છે. કુન્નરે કહ્યું, "ખેડૂતોના હકની લડાઈ રસ્તા પર હોય કે વિધાનસભામાં, કોંગ્રેસ પૂરી તાકાતથી લડશે."