ભારતના પહેલાં પેરાનોર્મલ ઓફિસરની વાર્તા કાલથી થ્રિલર વેબ સિરીઝ સ્વરૂપે
એમેઝોન એમએક્સ પ્લેયર પર ટૂંક સમયમાં એક નવી મિસ્ટ્રી થ્રિલર વેબ સિરીઝ આવી રહી છે, જેનું નામ છે ’ભય - ધ ગૌરવ તિવારી મિસ્ટ્રી’. આ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને લોકોમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સિરીઝ ભારતના પહેલા પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર ગૌરવ તિવારીના જીવન પરથી બનાવવામાં આવી છે. આ સિરીઝમાં ટેલિવિઝન અને ફિલ્મોના જાણીતા અભિનેતા કરણ ટેકર ગૌરવ તિવારીની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે કલ્કી કોચલિન પત્રકાર આયરીન વેંકટના પાત્રમાં નજરે પડશે.
સિરીઝનું નિર્દેશન રોબી ગ્રેવાલે કર્યું છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગૌરવ તિવારી ભૂતો, આત્માઓ અને અલૌકિક ઘટનાઓની તપાસ કરતાં હતા. અચાનક અવાજો આવવા, લાઇટ બંધ થવી, મોબાઇલની બેટરી ખતમ થવી અને ઘરની અંદર અજીબ ઘટનાઓ જેવી સીન ટ્રેલરમાં જોવા મળે છે. આ નવીન સિરીઝ દર્શકોને ડર અને રહસ્યની દુનિયામાં લઈ જશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ગૌરવ તિવારી પહેલા એક પાઇલટ હતા, પરંતુ એક અજાણી ઘટનાએ તેમની આખી જિંદગી બદલી નાખી.
ત્યારબાદ તેમણે અલૌકિક ઘટનાઓની તપાસ કરવાનો રસ્તો પસંદ કર્યો અને તેઓ ભારતના પહેલા પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર બન્યા. આ ઉપરાંત કલ્કી કોચલિન દ્વારા ભજવાયેલ પાત્ર આયરીન એક પત્રકાર છે, જે શરૂૂઆતમાં આવી વાતોમાં વિશ્વાસ કરતી નથી. પરંતુ જ્યારે ગૌરવ તિવારીનું અચાનક મૃત્યુ થાય છે, ત્યારે તે તેમના કેસ અને રહસ્યો વિશે વધુ જાણવા પ્રયત્ન કરે છે. પછી ધીમે ધીમે તેને ખબર પડે છે કે આ બધાની પાછળ ઘણી મોટી હકીકત છુપાયેલી છે. આ વેબ સિરીઝ 12 ડિસેમ્બરથી એમેઝોન એમએક્સ પ્લેયર પર મફતમાં જોઈ શકાશે. દર્શકો એમએક્સ પ્લેયર એપ, એમેઝોન શોપિંગ એપ, પ્રાઇમ વીડિયો, ફાયર ટીવી અને એરટેલ એક્સટ્રીમ પર આ સિરીઝ જોઈ શકશે.