2026માં પૃથ્વી પર ચાર વખત છવાશે સૂર્ય-ચંદ્ર ગ્રહણની છાયા
નવું વર્ષ 2026 શરૂૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે અને દરેક વ્યક્તિ જાણવા માગે છે કે આવનારું વર્ષ કેવું રહેશે. લોકો એ પણ જાણવા માગે છે કે નવા વર્ષના આવતા મહિનાઓમાં કઈ મોટી ઘટનાઓ ઘટશે. સૌથી મોટો સવાલ એ છે કે 2026માં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ક્યારે થશે, તે કયા દેશોમાં દેખાશે, અને શું તેનો સૂતક કાળ ભારતમાં પણ લાગશે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં ગ્રહણની કઈ-કઈ તિથિઓ હશે.
વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 17 ફેબ્રુઆરી 2026, મંગળવારના રોજ લાગશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાશે પરંતુ દક્ષિણ આફ્રિકા, દક્ષિણ આર્જેન્ટિના અને એન્ટાર્કટિકામાં દેખાશે. સંયોગથી આ ગ્રહણ અમાસના દિવસે લાગશે અને વલયાકાર સૂર્યગ્રહણ થશે. આનો અર્થ એ છે કે આકાશમાં સૂર્યની આસપાસ એક આગની જેમ ચમકદાર રીંગ દેખાશે, જેને રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.
વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ 12 ઓગસ્ટ 2026, બુધવારના રોજ લાગશે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે, એટલે કે સૂર્ય થોડા સમય માટે સંપૂર્ણપણે ઢંકાય જશે. તે આર્કટિક, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, સ્પેન, રશિયા અને પોર્ટુગલના ઘણા ભાગોમાં દેખાશે. જોકે, આ ગ્રહણ ભારતમાં નહીં દેખાશે, કારણ કે તે સમયે અહીં રાત્રિ હશે.2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 3 માર્ચ, મંગળવારના રોજ લાગશે. આ ગ્રહણ ભારત સહિત ઘણા એશિયન દેશોમાં દેખાશે. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં પણ દેખાશે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે, એટલે કે ચંદ્રનો એક ભાગ કાળો દેખાશે. આ ગ્રહણ સાંજે 6:26 થી 6:46 વાગ્યા સુધી રહેશે, જેનો કુલ સમયગાળો 20 મિનિટનો રહેશે. આ ગ્રહણ હોળીના દિવસે લાગશે. 2026નું બીજું ચંદ્ર ગ્રહણ 28 ઓગસ્ટના રોજ લાગશે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાશે. જોકે, તે ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાશે.