For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારના માનીતા ચૂંટણી કમિશનરનું લોકસભાની ચૂંટણી પહેલાં રાજીનામું રહસ્યમય તો છે જ

12:40 PM Mar 11, 2024 IST | Bhumika
સરકારના માનીતા ચૂંટણી કમિશનરનું લોકસભાની ચૂંટણી પહેલાં રાજીનામું રહસ્યમય તો છે જ

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાના દિવસો ગણાઈ રહ્યા છે અને ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે એવી વાતો વચ્ચે ચૂંટણી પંચમાંથી ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાનાં અણધાર્યા સમાચાર આવી ગયા. અરુણ ગોયલનો કાર્યકાળ 2027 સુધી હતો પણ ત્રણ વર્ષ પહેલાં જ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. ગોયલ રાજીનામું આપશે એવી કોઈને કલ્પના પણ નહોતી તેથી આ સમાચાર આંચકાજનક પણ છે. મહત્ત્વની વાત એ છે કે, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ગોયલે રાજીનામું આપ્યું છે. બીજા ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે ફેબ્રુઆરીમાં જ નિવૃત્ત થયા છે અને રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે તેથી હવે ચૂંટણી પંચમાં મુખ્ય કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે. કેન્દ્ર સરકારને તાત્કાલિક રીતે બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવા પસંદગી સમિતિની બેઠક બોલાવવી પડી છે. અરુણ ગોયલનું રાજીનામું બે રીતે આંચકાજનક છે.

Advertisement

પહેલું એ કે, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા પહેલાંની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ને ત્યારે જ ગોયલે મેદાન છોડી દીધું છે. 2024ની લોકસભા ચૂંટણી 7-8 તબક્કામાં યોજાશે અને ચૂંટણી પંચ 13 માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે એવું મનાય છે. આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ને તેમાં અરુણ ગોયલ અત્યંત સક્રિય હતા. બીજું એ કે, ગોયલ મોદી સરકારના માનીતા હતા અને નિયમોની ઐસીતૈસી કરીને તેમને ચૂંટણી પંચમાં મૂકવામાં આવ્યા હતા. ગોયલની નિમણૂકના મુદ્દે ભારે બબાલ થયેલી ને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સરકારની ભારે ટીકા પણ થઈ હતી પણ ગોયલે રાજીનામું નહોતું આપ્યું, હવે અચાનક શું બન્યું કે તેમણે રાજીનામું ધરી દીધું એ સવાલ થવો સ્વાભાવિક છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકની ઓરિજિનલ ફાઇલ સુપ્રીમ કોર્ટને સોંપી ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ટોણો મારેલો કે ચૂંટણી કમિશનરના નિયુક્તિની ફાઇલ વીજળી વેગે ક્લિયર થઈ ગઈ છે. સુપ્રીમે સવાલ પણ કરેલો કે, આ ક્યા પ્રકારનું મૂલ્યાંકન છે ? ગોયલની નિમણૂકના મુદ્દે સરકારે સતત બચાવ કર્યો હતો ને સુપ્રીમ કોર્ટની ટીકા પછી પણ ગોયલ ચીટકી રહ્યા હતા. મોદી સરકારની ઈચ્છા વિના એ શક્ય ના બને એ કહેવાની જરૂૂર નથી.સુપ્રીમ કોર્ટની ટીકા-ટિપ્પણીઓ સામે નિંભર સાબિત થયેલા ગોયલે હવે અચાનક કેમ રાજીનામું ધરી દીધું એ રહસ્ય છે. ગોયલ મોદી સરકારની નજરમાંથી ઊતરી ગયા કે પછી તેમના માટે બીજો મોટો રોલ તૈયાર છે એ જોવાનું રહે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement