માર્ગ અકસ્માતોમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને બમણું ઈનામ મળશે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માર્ગ અકસ્માતો અને મૃત્યુ ઘટાડવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. આ માટે વાહનોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંત્રાલય આ દિશામાં બીજો એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. ગોલ્ડન અવર દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલ લઈ જનાર વ્યક્તિને આપવામાં આવતી ઇનામની રાશિ બમણી કરવામાં આવી રહી છે.
માર્ગ પરિવહન મંત્રાલયના અહેવાલ મુજબ, એક વર્ષમાં 412432 માર્ગ અકસ્માતોમાં કુલ 16849 લોકોના મોત થયા હતા. આ અકસ્માતો અને મૃત્યુ ઘટાડવા માટે મંત્રાલય સતત મોટા નિર્ણયો લઈ રહ્યું છે. આ સંદર્ભમાં, ગોલ્ડન અવર દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં મફત સારવારની મંજૂરી આપવામાં આવી રહી છે. તેનો પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે. ટૂંક સમયમાં સમગ્ર દેશમાં તેનો અમલ કરવામાં આવશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ગોલ્ડન અવર દરમિયાન દર્દીને હોસ્પિટલ લઈ જનાર વ્યક્તિને 5,000 રૂૂપિયાનું ઇનામ આપવામાં આવતું હતું, તેને વધારીને 10,000 રૂૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં રાજ્યોના પરિવહન મંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ટૂંક સમયમાં એક સૂચના બહાર પાડવામાં આવશે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના સચિવ વી ઉમાશંકરે જણાવ્યું હતું કે ગોલ્ડન અવર યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ તાજેતરમાં કેટલાક જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો. તેના ફાયદા પણ દેખાઈ રહ્યા હતા. હોસ્પિટલમાં 600 થી વધુ લોકોને સમયસર સારવાર મળી. આનાથી ઘાયલ લોકોના જીવ બચાવવામાં મદદ મળી છે. આ આંકડો આ વિસ્તારોમાં થયેલા મૃત્યુના લગભગ 10 ટકા દર્શાવે છે, જેનો અર્થ એ થાય કે આ લોકોના જીવ બચાવી શકાયા હતા. ટૂંક સમયમાં આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.