બેરીલ વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં ફસાઈ ભારતીય ટીમ સ્વદેશ પરત ફરવામાં થઈ શકે છે વિલંબ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાર્બાડોસના બ્રિજટાઉનમાં યોજાઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી અને તમામ ખેલાડીઓએ ખૂબ જ ઉજવણી કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, તેમના પરિવારજનો અને સપોર્ટ સ્ટાફ ભારત જવા રવાના થવાના હતા ત્યારે બાર્બાડોસમાં તોફાનની જાહેરાત થઈ. આ કારણે, તમામ એરપોર્ટ હાલમાં બંધ છે અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કોઈને પણ ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે, તેથી સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ છે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા તેની હોટલના રૂમમાં ફસાઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયાએ પેપર પ્લેટમાં લીધું ડિનર
બાર્બાડોસમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર હરિકેન બેરીલ 6 કલાકમાં બાર્બાડોસની ધરતી પર ત્રાટકશે. આવી સ્થિતિમાં, સાવચેતી રાખીને, તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઈના અધિકારીઓ અને તેમના પરિવારો સહિત કુલ 70 સભ્યોને હોટલના રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે. હોટેલ પણ ખૂબ જ ઓછા સ્ટાફ અને મર્યાદિત સંસાધનો સાથે ચલાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ કારણથી ટીમ ઈન્ડિયાએ રાત્રે લાઈનમાં ઉભા રહીને પેપર પ્લેટમાં ડિનર લેવું પડ્યું હતું.