કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો, સામાન્ય પ્રજા પર અસર પડશે?
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં કોઈ જ ફેરફાર થશે નહીં, જેથી સામાન્ય પ્રજાને કોઈ અસર નહીં પડે.

જો કે અડધા કલાક બાદ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં થાય. આ ખર્ચ પેટ્રોલિયમ કંપનીઓ ઉઠાવશે.
હાલમાં સરકાર પેટ્રોલ પર 19.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 15.80 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. આ વધારા બાદ પેટ્રોલ પર 21.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 17.80 રૂપિયા પ્રતિ લિટર ડ્યૂટી લાગશે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ક્રૂડ ઓઈલની ઘટેલી કિંમતો સાથે ડ્યૂટી એડજસ્ટ કરવામાં આવશે. જો ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો ચાલુ રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
કિંમતો કેવી રીતે ગોઠવવામાં આવશે?
પેટ્રોલિયમ માર્કેટ એક્સપર્ટ નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે, 'ઓઇલ કંપનીઓએ એક્સાઇઝ ડ્યૂટી ચૂકવવી પડશે જે તેમની કમાણીમાંથી વધારવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને કંપનીઓ સામાન્ય લોકો પાસેથી આ વસૂલ નહીં કરે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારાની જાણકારી આપવામાં આવી છે. એક્સાઈઝ ડ્યુટીમાં વધારાનો બોઝ સામાન્ય લોકો પર પણ પડી શકે છે. નોંધનીય છે કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, જે જોતાં સરકારે પેટ્રોલિયમ કંપનીઓ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત એક બેરલ પર 63.34 ડોલર છે, પેટ્રોલિયમ કંપનીઓને કાચું તેલ સસ્તામાં પડે છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. એવામાં કંપનીઓને થતો મબલખ લાભ જોતાં સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી છે જેથી સરકારની આવકમાં પણ વધારો કરી શકાય.

કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે પરંતુ સામાન્ય પ્રજા પર તેની અસર નહીં થાય. વધેલી એક્સાઈઝ ડ્યુટી 8 એપ્રિલ મંગળવારથી લાગુ થઈ જશે જેની સીધી અસર પેટ્રોલિયમ કંપનીઓ પર જ પડશે. કેન્દ્ર સરકારે X પર પોસ્ટ કરીને આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે, પેટ્રોલિયમ કંપનીઓએ રિટેલ કિંમતોમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.