મહારાષ્ટ્રમાં રાજકીય વર્ચસ્વ ગુમાવી ચૂકેલા ઠાકરે બંધુઓ એક થવાનો અખતરો કરી જૂએ
મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ઉદ્ધવ ઠાકરે પોતાના રાજકીય અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ રાજ ઠાકરે હાથ મિલાવે એવા સંકેત રાજ ઠાકરેએ આપ્યા છે. રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ છે પણ મનસેનું પણ કોઈ રાજકીય વજન નથી. આ સંજોગોમાં આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા કરીને રાજ અને ઉદ્ધવ એક થઈ જાય એવા સંકેત ખુદ રાજ ઠાકરેએ આપ્યો છે. એક યુ-ટયુબ ચેનલને આપેલી મુલાકાતમાં રાજ ઠાકરેએ દાવો કર્યો કે, ઉદ્ધવ સાથે તેમને રાજકીય મતભેદો છે, વિવાદો છે, ઝઘડા છે પણ મહારાષ્ટ્રના હિતમાં આ બધી જ બાબતો ખૂબ જ નાની છે.
મહારાષ્ટ્ર અને મરાઠી લોકોના હિત માટે સાથે થવામાં કોઈ મુશ્કેલી નથી. મહારાષ્ટ્રના હિતના કોઈપણ મોટા ધ્યેય સામે અમારી વચ્ચેના ઝઘડા નાના છે. રાજ ઠાકરેના કહેવા પ્રમાણે, એ શિવસેનામાં હતા ત્યારે પણ તેમને ઉદ્ધવ સાથે કામ કરવામાં કોઈ વાંધો નહોતો. રાજ ઠાકરેએ પોતે ઉદ્ધવ સાથે હાથ મિલાવશે કે નહીં તેનો નિર્ણય ઉદ્ધવ પર છોડીને એમ પણ કહ્યું કે, હવે સવાલ એ છે કે, સામેની વ્યક્તિ એટલે કે ઉદ્ધવ હું તેની સાથે કામ કરું કે નહીં એવું ઇચ્છે છે કે નહીં તેનો છે. બાકી હું તો ક્યારેય આવી નાની નાની બાબતોમાં મારો અહંકાર લાવતો નથી. ઉદ્ધવે પણ રાજ ઠાકરે જેવો જ સૂર કાઢ્યો છે ને કહ્યું છે કે, રાજ સાથે મારા તરફથી ક્યારેય કોઈ ઝઘડો થયો નથી. ઉદ્ધવ ઠાકરેએ પોતે રાજ ઠાકરે સાથે હાથ મિલાવવા તૈયાર છે એવું ફોડ પાડીને કહ્યું નથી પણ હાથ નહીં મિલાવે એવું પણ કહ્યું નથી. બલ્કે ઉદ્ધવ ઠાકરેનો સૂર પણ હકારાત્મક છે એ જોતાં બંને ભેગા થઈ જાય તો નવાઈ નહીં લાગે. જો કે રાજકારણીઓ જાહેરમાં બોલે છે એ રીતે વર્તે એ જરૂૂરી નથી. રાજ અને ઉદ્ધવ બંનેને આ વાત લાગુ પડે છે. બંને જાહેરમાં કોઈ ઝગડો નથી એવું કહ્યા કરતા હોય પણ અંદરખાને એકબીજા માટે કડવાશ ભરીને બેઠા હોય એવું બને.
આ સંજોગોમાં બંને સાથે ના થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું વહેલું કહેવાય પણ બંને હાથ મિલાવી લે તો બંને ફાયદામાં રહેશે તેમાં બેમત નથી. અત્યારે સ્થિતિ એ છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાસે સંગઠન નથી કે મજબૂત નેતા નથી. રાજ ઠાકરે નિવેદનો ફટકારીને પોતાનું રાજકારણ ચલાવ્યા કરે છે અને ચર્ચામાં રહે છે. રાજ ઠાકરે હજુય મીડિયાને આકર્ષે છે પણ મતદારોને આકર્ષી શકતા નથી. ઉદ્ધવની શિવસેના ભાંગી ભાંગી તોય ભરૂૂચ છે. તેની પાસે હજુ થોડું સંગઠન છે ને વફાદાર મતબેંક પણ છે તેથી રાજ ઠાકરે ફાયદામાં રહેશે.