UPના બદાયુમાં બે નિર્દોષ બાળકોની હત્યા બાદ ભારે તણાવ, આરોપી જાવેદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
ઉત્તર પ્રદેશના બદાયુંમાં ગઈકાલે સાંજે બે માસુમ બાળકોની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘરમાં ઘૂસીને બે બાળકોને માર માર્યો હતો. આ પછી પોલીસે માત્ર બે કલાકમાં જ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે.બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી હતી.
યુપીના બદાયુમાં બે બાળકોની ઘરમાં ઘુસીને હત્યા કરાતા ચકચાર મચી છે. આ ઘટના બાબા કોલોનીમાં બની છે. જ્યા ઘરમાં ઘુસી હત્યા કર્યા બાદ આરોપી નાસી છુટ્યો હતો જો કે ઘટનાની માહિતી મળ્યા બાદ બદાયુંના ડીએમ મનોજ કુમાર અને બરેલીના આઈજી ડો. રાકેશ સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તહેનાત કરી દેવાની ફરજ પડી હતી. બદાયુંના ડીએમના જણાવ્યા અનુસાર સ્થિતિ નિયંત્રણમાં છે. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. બાબતે તપાસ ચાલુ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં આવતી બાબા કોલોનીમાં ગઈકાલે મોડી સાંજે દુકાન ચલાવતા એક વ્યક્તિએ ઘરમાં ઘૂસી ત્રણ ભાઈઓ આયુષ, યુવરાજ અને આહાન ઉર્ફે હની પર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં આયુષ (12) અને આહાન ઉર્ફે હનીનું મોત થયું હતું. જ્યારે યુવરાજને ગંભીર રીતે ઘાયલ હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બરેલીના આઈજી ડો.રાકેશ સિંહે જણાવ્યું કે બાળકો તેમના ટેરેસ પર રમી રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ આવીને બંને બાળકોની હત્યા કરી નાખી હતી.
આ કેસમાં પોલીસે આરોપીનું એકાઉન્ટર કરી દીધું છે. બરેલીના આઈજીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓનો પીછો કર્યો અને આ દરમિયાન એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો, જેમાં ગુનેગારનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આરોપી વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.