ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા નંબર-1
- T-20 અને વન-ડે બાદ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતીને ટેસ્ટમાં પણ નંબર વન
ટીમ ઈન્ડિયા આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચના સ્થાને પાછી આવી ગઇ છે. ટેસ્ટ સીરીઝમાં તેમના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને પાછળ પાડી દીધુ છે. ટેસ્ટ રેન્કિંગ ટેબલમાં ટીમના હવે 122 રેટિંગ પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતને 4-1થી જીતનો ફાયદો થયો છે. આ જીત સાથે રોહિત શર્માની ટીમ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટી20 અને વનડેમાં તે પહેલાથી જ ટોપ પર હતી. આ રીતે ભારત ત્રણેય ફોર્મેટમાં એક જ સમયે નંબર વન બની ગયું છે.
આ પહેલા ડિસેમ્બરમાં પણ ટીમ ઈન્ડિયાએ આવું કર્યું હતું અને ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની હતી. તે સમયે ભારતીય ટીમ ટેસ્ટ અને ટી20માં પહેલાથી જ નંબર વન હતી અને દક્ષિણ આફ્રિકા સામેની ઓડીઆઇ સીરીઝમાં 2-1થી જીત મેળવીને આઇસીસી રેન્કિંગમાં ઓડીઆઇમાં પણ પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું હતું. જો કે, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ ઓડીઆઇ સીરીઝ પછી તરત જ 1-1થી ડ્રો થયા બાદ ભારતે તેનો પ્રથમ ટેસ્ટ બર્થ ગુમાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા નંબર-1 ટીમ બની ગઈ હતી. હવે વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ફરી એકવાર ટેસ્ટમાં નંબર-1 ટીમ બની ગઈ છે. ભારતે ત્રણેય ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
એક અપડેટ આપતા આઇસીસીએ રવિવારે કહ્યું - હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ 28 રનના નજીકના માર્જિનથી હાર્યા બાદ, ભારતે શાનદાર વાપસી કરી અને ઇંગ્લેન્ડ સામેની બાકીની ચાર ટેસ્ટ મેચ જીતી લીધી. વિઝાગ, રાજકોટ, રાંચી અને હવે ધર્મશાળામાં જીત સાથે, ટીમ આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચના સ્થાને પરત ફરી છે. શ્રેણીમાં તેમના શાનદાર પ્રદર્શનના કારણે તેઓ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી શક્યા છે. ટેસ્ટ રેન્કિંગ ટેબલમાં ટીમના હવે 122 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા 117 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે ઈંગ્લેન્ડ 111 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
ટેસ્ટમાં નંબર વન રહેવાની સાથે ભારત હવે ત્રણેય ફોર્મેટમાં રેન્કિંગના શિખર પર પહોંચી ગયું છે. ઓડીઆઇ રેન્કિંગમાં તેમની પાસે 121 રેટિંગ પોઈન્ટ છે, જેમાં ઓસ્ટ્રેલિયા 118 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઝ20 ઈન્ટરનેશનલમાં ભારતના 266 રેટિંગ પોઈન્ટ છે, જેમાં ઈંગ્લેન્ડ (256) બીજા ક્રમે છે. અગાઉ, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ 1-1થી ડ્રો કરીને ભારત ટેસ્ટ ટીમ રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગયું હતું.