15 બોલમાં 1 રન ન બનાવી શકી ટીમ ઇન્ડિયા, શ્રીલંકા સામેની પ્રથમ વનડે ટાઇ
રોહિત શર્માની ફીફટી એળે ગઇ, શ્રીલંકાના દુનિથ વેલ્લાગેની 67 રનની નોટઆઉટ ઇનિંગ
ભારત અને શ્રીલંકાની પ્રથમ વનડે મેચ ટાઈ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્માએ ખૂબ જ શાનદાર શરૂૂઆત આપી હતી, જેમણે મુશ્કેલ પિચ પર પણ 47 બોલમાં 58 રન બનાવ્યા અને આ દરમિયાન 7 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા. એક સમયે ભારતે વિકેટ ગુમાવ્યા વગર 75 રન બનાવી લીધા હતા, પરંતુ ત્યારબાદ ટીમને મોટી ભાગીદારી માટે સંઘર્ષ કરતી જોવામાં આવી.
કેએલ રાહુલ અને અક્ષર પટેલની 57 રનની ભાગીદારીએ ભારતની મેચમાં વાપસીમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જ્યારે અંતમાં શિવમ દુબેએ 25 રનની કેમિયો ઇનિંગ રમી, પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શક્યા નહીં.
શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 230 રન બનાવ્યા હતા, જેમાં સૌથી મોટું યોગદાન દુનિથ વેલ્લાલાગેનું રહ્યું જેમણે 65 બોલમાં 67 રનની નોટઆઉટ ઇનિંગ રમી. તેમના સિવાય પથુમ નિસંકાએ 75 બોલમાં 56 રન બનાવ્યા. 101 રન પર અડધી ટીમ પેવેલિયન પરત ફર્યા બાદ પણ શ્રીલંકા 230 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. બીજી તરફ જ્યારે ટીમ ઇન્ડિયા લક્ષ્યનો પીછો કરવા ઉતરી તો કેપ્ટન રોહિત શર્માએ શરૂૂઆતથી જ તોફાની બેટિંગ શરૂ કરી. જ્યાં સુધી રોહિત ક્રીઝ પર ટકી રહ્યા ત્યાં સુધી ટીમનો રન રેટ 6થી ઉપર ચાલી રહ્યો હતો, પરંતુ ‘હિટમેન’ 13મી ઓવરમાં 47 બોલમાં 58 રન બનાવીને આઉટ થઈ ગયા. તેમના 5 રન બાદ જ શુભમન ગિલ પણ 16 રન બનાવીને આઉટ થઈ ગયા.
વોશિંગ્ટન સુંદરને બેટિંગ ક્રમમાં ચોથા નંબર પર મોકલવામાં આવ્યો, જે માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટ કોહલી પણ લગભગ 9 મહિના બાદ કોઈ વનડે મેચ રમવા મેદાન પર ઉતર્યા, પરંતુ 24 રન જ બનાવી શક્યા. ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ છે અને તેમની પાસે તક હતી કે તેઓ મોટી ઇનિંગ રમીને ટીમમાં પોતાનું સ્થાન પાકું કરી લે, પરંતુ તેમનું બેટ 23 રન જ બનાવી શક્યું.
ભારતીય ટીમ એક સમયે 132 રન પર 5 વિકેટ ગુમાવી ચૂકી હતી અને હજુ પણ તેને જીત માટે 99 રન બનાવવાના હતા. અહીંથી કેએલ રાહુલ અને અક્ષર પટેલ વચ્ચે અર્ધશતકીય પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. એક તરફ કેએલ રાહુલે 43 બોલમાં 31 રન, જ્યારે અક્ષર પટેલે એકવાર ફરી પોતાના બેટિંગ કૌશલ્યથી બધાને પ્રભાવિત કરતાં 57 બોલમાં 33 રન બનાવ્યા. રાહુલ અને અક્ષરે મળીને 57 રન જોડ્યા. પરંતુ આ ભાગીદારી ટીમ ઇન્ડિયાના કામ ન આવી શકી, કારણ કે મુકાબલો ટાઈ થઈ ગયો છે.
મેચ 47 ઓવર સમાપ્ત થયા બાદ ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 226 રન બનાવી લીધા હતા અને જીત માટે તેને માત્ર 5 રન બનાવવાના હતા. 48મી ઓવરમાં શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકા બોલિંગ કરવા આવ્યા. ઓવરની પહેલી 2 બોલમાં કોઈ રન નહોતો આવ્યો, પરંતુ ત્રીજી બોલ પર ચોગ્ગો આવી ગયો. આવી સ્થિતિમાં ભારતે 15 બોલમાં જીત માટે માત્ર એક રન બનાવવાનો હતો. ચોગ્ગો લગાવ્યા પછીની જ બોલ પર દુબે 25 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. ભારતે 1 રન બનાવવાનો હતો, પરંતુ હાથમાં માત્ર એક વિકેટ બાકી હતી. આગલી જ બોલ પર અસલંકાએ અર્શદીપ સિંહને પણ આઉટ કરી દીધો. આની સાથે જ મેચ ટાઈ થઈ ગઈ.