સુનયના ફોજદાર: સપનાની સાહસી સફર
સુનયના ફોજદારની વનસફર: એક અભૂતપૂર્વ અનુભવ
ટેલિવિઝન અભિનેત્રી સુનયના ફોજદારને લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીના પાત્ર માટે ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સિરિયલમાં ખૂબ વિખ્યાત પામેલી અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાનું એક મોટું સપનું સાકાર કર્યું. કેન્યાના પ્રખ્યાત ‘માસાઈ મારા’ તરફ એક અવિસ્મરણીય સફર કરીને તેમણે પોતાનો અદ્ભુત અનુભવ જણાવ્યો તેમજ કુદરત પ્રત્યે અનોખો પ્રેમ ધરાવતી સુનયનાએ આ આહલાદક યાત્રાને જાણે પોતાનાં સપનાને જીવી જાણ્યાનો આનંદ વ્યક્ત કર્યો.
સુનયનાએ પોતાના અનુભવને સંક્ષિપ્તમાં વર્ણવતાં કહ્યુ: સપનાસમાન યાત્રા
જેવી હું કલ્પના કરતી હતી, આ યાત્રા એવી જ હતી. કદાચ એનાથી પણ વધુ સુંદર હશે. વધુમાં આ ટીવી સ્ટાર જણાવે છે કે, હું આ સફારીપાર્કમાં ગ્રેટ માઈગ્રેશનના સમયગાળામાં ગઈ હતી, તેથી હજારો ઝીબ્રા અને હાથીઓને હું ત્યાં જોઇ શકી. એ દ્રશ્યો એટલા ભવ્ય અને કુદરતી હતાં કે હું અવાચક બનીને જોતી જ રહી.
આ યાત્રા દરમિયાન અનેક ઘટનાઓ ખૂબ જ યાદગાર રહી. એમાં થોડી હાસ્યજનક તો વળી થોડી રોમાંચક પણ હતી. જેમ કે, ફરતા ફરતા અમે જંગલમાં લગભગ બે કલાક માટે ફસાઈ ગયા હતા, કારણકે ત્યાં કાદવ જ એટલો હતો કે કારનું ટાયર કાદવમાં ફસાઈ ગયું. શરૂૂઆતમાં તો અમને ખૂબ હસવું આવ્યું, પરંતુ થોડીવારમાં જ ભયની લાગણી પણ ઉદભવી. અમે વિચારતા રહ્યા કે ગમે ત્યાંથી જંગલી પ્રાણી આવી ન ચડે, અને અમારા પર હુમલો ન કરે. સદ્ભાગ્યે, એક ટોઇંગ વાહન આવ્યું અને કારને કાદવમાંથી બહાર કાઢી. એ અમારી યાદગાર ક્ષણ બની ગઈ.
વિશ્વભરમાં વન્યજીવનના સ્થળો શોધવાની ઈચ્છા ધરાવતી સુનયનાએ આ યાત્રાનાં ખૂબ જ લાગણીસભર અનુભવો જણાવ્યા. વધુમાં સુનયના પોતાના દિલની વાત ઠાલવતા જણાવે છે કે, જે કોઈ મને ઓળખે છે, એ જાણે છે કે આ સપનું લાંબા સમયથી મારાં દિલોદિમાગમાં હાવી હતું. અન્ય દેશોમાં ફરતી વખતે પણ હું wildlife experience અવશ્ય સામેલ કરું છું. માત્ર પાંચ દિવસ પણ એટલાં પૂરતાં હતાં કે મને સંપૂર્ણપણે ખુશ અને તાજગીસભર અનુભવ થયો. ખરેખર, આ સફારીની યાત્રા જીવનમાં એકવાર જરૂૂર માણો.
સુનયનાએ માસાઈ મારાની ખાસિયત વિશે વધુ જણાવતાં કહ્યુ, આ જગ્યા સાથે કોઈની તુલના થઈ શકે એમ જ નથી. અહીંનો માહોલ, ઊર્જા અને wildlife બધું જ એકદમ અલગ છે. હું બધા લોકોને કહું છું કે એકવાર તો કુદરતની વાસ્તવિકતા અને કુદરતે આપેલું સૌંદય માણો અને અનુભવો. આપણા ભારતમાં પણ વિશાળ સુંદર જંગલો છે. પશુઓને પાંજરામાં જોવા કરતા તેમના કુદરતી નિવાસસ્થાનમાં જોવું એ એક અદ્ભૂત લ્હાવો છે.
સુનયનાએ તેમના પ્રવાસમાંથી મળેલા એક ઊંડા સંદેશાને લોકો માટે વહેંચતાં જણાવ્યું કે, જ્યારે આપણે બીજા દેશોમાં જઈએ છીએ, ત્યારે આપણું ભારત કેટલું વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે એ ખૂબ સારી રીતે સમજાય છે. કારણકે આપણે એક દેશમાં અનેક સંસ્કૃતિઓ સાથે રહીએ છીએ. તેથી જ આપણે જયારે પણ વિદેશ જઈએ ત્યારે એ તફાવત અને એ જોડાણ બંને અનુભવવું એ ખૂબ અગત્યનું છે.
અંતે, સુનયનાની માસાઈ મારાની યાત્રા એક વેકેેશન માત્ર નહોતી, પરંતુ તે કુદરત સાથેનો એક આત્મિય સંબંધ હતો, જે યાદગાર ક્ષણો અને નવી ઊર્જાથી ભરેલી આત્માની યાત્રા બની રહી.