હાઈવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી ગણાય: સુપ્રીમ કોર્ટ
અકસ્માતના કેસમાં ભોગ બનનારને 91.2 લાખ વળતર ચૂકવવા આદેશ
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના નિર્ણયમાં કહ્યું કે, કોઈપણ ચેતવણી આપ્યા વિના હાઇવે પર અચાનક બ્રેક લગાવવી એ બેદરકારી ગણાશે. જો આવા કૃત્યથી અકસ્માત થાય છે, તો કાર ચાલકને જવાબદાર ઠેરવી શકાય છે. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે મંગળવારે કહ્યું હતું કે, ‘હાઇવે પર વાહનો ખૂબ જ ઝડપે ચાલે છે અને જો કોઈ ડ્રાઇવર પોતાનું વાહન રોકવા માંગે છે, તો તેની પાછળ આવતા વાહનોને સંકેત આપવો જરૂૂરી છે.’
આ કેસ 7 જાન્યુઆરી 2017 ના દિવસે તમિલનાડુના કોઈમ્બતુરમાં થયેલા અકસ્માત સાથે સંબંધિત છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થી એસ. મોહમ્મદ હકીમ તેની બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે એક કાર ચાલકે અચાનક બ્રેક લગાવી. આ દરમિયાન, હકીમની બાઇક એક કાર સાથે અથડાઈ અને તે રસ્તા પર પડી ગયો. તે જ સમયે, પાછળથી આવતી એક બસે તેને કચડી નાખ્યો. ત્યારબાદ સારવાર દરમિયાન તેનો ડાબો પગ કાપી નાખવો પડ્યો. કેસની સુનાવણી દરમિયાન, કાર ચાલકે કોર્ટને જણાવ્યું કે તેણે બ્રેક લગાવી કારણ કે તેની ગર્ભવતી પત્નીને ઊલટી થઈ રહી હતી. પરંતુ, સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી.
આ દરમિયાન કોર્ટે કહ્યું કે, ‘કાર ચાલકે આપેલો ખુલાસો કોઈપણ દૃષ્ટિકોણથી યોગ્ય નથી. જો કોઈ કટોકટી હોય તો પણ, હાઇવેની વચ્ચે અચાનક બ્રેક લગાવવી ખતરનાક અને બેજવાબદાર છે.’ સુપ્રીમ કોર્ટે અકસ્માત માટે ત્રણેય પક્ષોને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે, કાર ચાલક 50% જવાબદારી ધરાવે છે અને બસ ચાલક 30% જવાબદારી ધરાવે છે. આ સાથે, બાઇક સવાર હકીમ 20% બેદરકારી ધરાવે છે. હકીમ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું અને તેણે કારથી પૂરતું અંતર જાળવ્યું ન હતું, જે તેની બેદરકારી હતી. સુપ્રીમ કોર્ટે કુલ વળતર 1.14 કરોડ રૂૂપિયા નક્કી કર્યું હતું. પરંતુ હકીમની 20% બેદરકારીને કારણે, આ રકમ ઘટાડીને 91.2 લાખ કરવામાં આવી હતી. આ રકમ ચાર અઠવાડિયામાં કાર અને બસ વીમા કંપનીઓને ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.