પરીક્ષા રદ કરાવવા દિલ્હીની શાળાઓને બોંબની ધમકી આપનારો વિદ્યાર્થી ઝડપાયો
સ્કૂલોમાં બોમ્બની ધમકી આપીને આખી દિલ્હીને ડરાવનાર વ્યક્તિ ઝડપાઈ ગયો છે. તેણે 23 અલગ-અલગ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ કૃત્ય 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ કર્યું હતું. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે અગાઉ પણ આવા ઈમેલ મોકલ્યા હોવાની કબૂલાત કરી છે.
ડીસીપી સાઉથ અંકિત ચૌહાણે જણાવ્યું કે, આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું છે કે તેણે દિલ્હીની અલગ-અલગ સ્કૂલોને 23 ઈમેલ મોકલ્યા હતા. આ ઈમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે એ પણ કબૂલ્યું હતું કે તે અગાઉ પણ શાળાઓને આવા ધમકીભર્યા ઈમેલ મોકલતો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સગીર આરોપી શાળામાં પરીક્ષા આપવા માંગતો ન હતો અને તેને રદ કરાવવા માટે તેણે ધમકીભર્યો ઈમેલ મોકલવાનો રસ્તો શોધી કાઢ્યો. પોલીસ હજુ તેની પૂછપરછ કરી રહી છે અને વધુ વિગતો એકઠી કરી રહી છે.
ગયા વર્ષે, દિલ્હીમાં ઘણી વખત શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા, જેના કારણે વાલીઓ એટલા ડરી ગયા હતા કે શાળાઓમાં રજાઓ જાહેર કરવી પડી હતી. દિલ્હી પોલીસ પણ શાળાઓની તપાસમાં ઢીલી રહી. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 100થી વધુ શાળાઓને આવા ખોટા ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ગયા મહિને, આ જ શાળાના બે વિદ્યાર્થીઓ એવા નીકળ્યા જેમણે રોહિણીની એક શાળામાં બોમ્બની ધમકી મોકલી હતી. તેણે પરીક્ષા મુલતવી રાખવા માટે પણ આ પદ્ધતિ અપનાવી હતી.