સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઓલટાઇમ હાઈ પર છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ થયા હતા. સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં પણ તેજીના પગલે ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા.
સેન્સેક્સ આજે 94.39 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ 293.4 પોઈન્ટ ઉછળી 83184.34ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 25500ના લેવલ તરફ આગેકૂચ કરતાં 24445.70ની ઐતિહાસિક ટોચ નોંધાવવામાં સફળ રહ્યો છે. 11.00 વાગ્યે સેન્સેક્સ 100 પોઈન્ટ આસપાસ અને નિફ્ટી 32.70 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે
સ્થાનિક શેરબજાર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે અને આ સપ્તાહ પણ ખાસ છે. આજે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓના લિસ્ટિંગના દિવસે શેરબજારમાં જોરદાર ગતિવિધિ જોવા મળી રહી છે. બુધવારે યુએસ ફેડની બેઠક છે જે વૈશ્વિક બજારો માટે એક મોટો સંકેત સાબિત થવા જઈ રહી છે. આ સિવાય આજે બેંક નિફ્ટી 52,000ની ઉપર ખુલી છે અને શરૂઆતની મિનિટોમાં બેંક નિફ્ટીના 12માંથી 9 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મેટલ શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળી રહ્યો છે અને મેટલ ઇન્ડેક્સમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, તે વૈશ્વિક બજારોના વલણ પર વધુ આધાર રાખે છે.
નિફ્ટીના 50 શેરમાંથી 38 શેરમાં વધારો અને 12 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 26 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 4 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.