યુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતન
સેન્સેક્સમાં 2376, નિફ્ટીમાં 729નો ઉછાળો, એક્સિસ-અદાણીના શેર મિસાઈલની જેમ દોડ્યા, મિડકેપ-સ્મોલકેપમાં 10 ટકા સુધીનો ઉછાળો
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય શેરબજારમાં ધૂમ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે શેરબજાર ખુલતાની સાથે જ અઠવાડિયાના પહેલા દિવસે જ સેન્સેક્સમાં એકઝાટકે 2376 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. ગત 79454.47 પોઇન્ટના ક્લોઝિંગ બાદ આજે સોમવારે સેન્સેક્સ 849 અંક ઉછળીને 80,803 પર ખુલ્યો હતો અને થોડીવારમાં જ સેન્સેક્સમાં ભારે તેજીથી 2376 અંક ઉછળીને 81,830 ઉપર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ધૂમ તેજીનો માહોલ જોવા મળ્યો અને રોકાણકારોને મોટો ફાયદો થયો. નિફ્ટીનું જૂનું ક્લોઝિંગ 24008.00 પોઈન્ટ પર હતું જે આજે 412 અંક ઉછળીને 24,420 પર ખુલી હતી. નિફ્ટીમાં પણ ભારે તેજીથી થોડીવારમાં જ 729 અંકનો ઉછાળો નોંધાતા 24,737 સુધી ટ્રેડ થઈ હતી. આજે મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં પણ ભારે તેજી જોવા મળી હતી.
શરૂૂઆતના કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. જ્યારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત ટ્રેન્ટના શેરમાં 5 ટકા, એક્સિસ બેંકમાં 4 ટકા અને શ્રીરામ ફાઇનાન્સમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે. આજના કારોબારમાં બેંકિંગ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે ફાર્મા ક્ષેત્રના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નિફ્ટી50 પેકમાંથી સન ફાર્મા સૌથી વધુ લુઝર રહ્યો. જેમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો. જ્યારે સિપ્લાના શેરમાં પણ લગભગ 1 ટકાનો ઘટાડો થયો.
શેરબજારમાં તેજી વચ્ચે જે લાર્જ-કેપ કંપનીઓના શેર સૌથી ઝડપી ગતિએ ચાલ્યા તેમાં ટોપ-10 શેરોમાં એક્સિસ બેંક (4%), અદાણી પોર્ટ્સ (3.88%), બજાજ ફિનસર્વ (3.75%), એટરનલ શેર (3.61%), બજાજ ફાઇનાન્સ શેર (3.61%), NTPC શેર (3.50%), ટાટા સ્ટીલ શેર (3.40%), રિલાયન્સ શેર (3.23%), ICICI બેંક શેર (2.90%) અને HDFC બેંક શેર (2.85%)નો સમાવેશ થાય છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોની વાત કરીએ તો મિડકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ એસ્કોર્ટ્સ શેર (7.63%), સુઝલોન શેર (7.32%), ફર્સ્ટ ક્રાય શેર (7.22%), ડિક્સન ટેક શેર (6.40%), છટગક શેર (6.30%), IREDA શેર (5.43%) ઊંચા ટ્રેડિંગમાં હતા. જ્યારે સ્મોલકેપ કેટેગરીમાં, પંજાબ કેમિકલ (13%) અને KPEL 10% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
સોનામાં ખુલતી બજારે રૂા.2600નો કડાકો, ચાંદીમાં કિલોનો ભાવ રૂા.98,450 બોલાયો
શુક્રવારે ટ્રેડીંગ બંધ થયા બાદ વૈશ્ર્વિક પરિબળોના હિસાબે આજે સોનુ-ચાંદી બન્ને તુટ્યા હતાં. અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતા, રશિયા-યુક્રેન તેમજ ભારત-પાક. વચ્ચે સિઝ ફાયરના સંકેતો વચ્ચે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોનું પ્રતિ તોલાએ 2600 રૂપિયા તુટીને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામના રૂા. 97,400 બોલાયા હતાં જ્યારે ચાંદીમાં 500 રૂપિયાનું ગાબડુ પડતા રૂપિયા 98,450 પ્રતિ કિલોએ ટ્રેડ થયા હતાં.