બેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલ
આઈપીએલ 2025ની ચેમ્પિયન્સ RCBની ટીમ અમદાવાદથી બેંગલુરૂ જશ્ન મનાવવા માટે પહોંચી છે. પરંતુ આ જીતનો માહોલ દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 8 લોકોના મોત થયા હતા. આ ભાગદોડમાં 20 લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર 10 લોકોની હાલત ગંભીર છે. ભાગદોડમાં માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ પણ શામેલ છે.
મળતી માહિતી અનુસાર RCBની વિજય પરેડમાં સામેલ લોકો ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં હાજર હતા. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને આ પછી નાસભાગ મચી ગઈ. વિજય પરેડ સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં. ખેલાડીઓ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળવા વિધાનસભા પહોંચ્યા છે અને આ પછી ઓપન-ટોપ બસ પરેડ રદ થતાં ખેલાડીઓ વિધાન સભાથી સામાન્ય બસમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ સ્ટેડિયમ પહોંચ્યા છે. સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી ટૂંકસમયમાં શરૂ થવાની છે.
https://x.com/ag_Journalist/status/1930232673454436429
સ્ટેડિયમની નજીક થયેલી નાસભાગમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરતાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, અત્યારસુધી મૃતકો અને ઘાયલો ની ચોક્કસ સંખ્યાની ખાતરી થઈ નથી. પરંતુ હું ઘટના સ્થળે પહોંચી રહ્યો છું. સુરક્ષા અને ભીડને નિયંત્રિત કરવા માટે 5000થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત હોવાનું પણ જણાવ્યું છે.
RCBનો વિજય ઉત્સવ શોકમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. પ્રશ્ન એ છે કે આ નાસભાગ પાછળનું કારણ શું છે? ભીડ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો? આ મોટા અકસ્માત માટે કોણ જવાબદાર છે? આ ચાહકો તેમની ટીમની જીતથી ખૂબ ખુશ હતા. તમને જણાવી દઈએ કે IPL 2025 ની ફાઇનલમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. RCB એ પહેલીવાર IPL ટાઇટલ જીત્યું.