ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાઝા મુદ્દે સોનિયાની ચિંતામાં લઘુમતી તુષ્ટિકરણ, મોદી દ્વેષની ગંધ આવે છે

10:55 AM Jul 30, 2025 IST | Bhumika
Advertisement

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂૂ થયું ત્યારથી કોંગ્રેસ ગાઝાપટ્ટીનાં લોકો પર હેત બતાવી રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગાઝાપટ્ટી પર હુમલા બદલ ઈઝરાયલની ઝાટકણી કાઢવી જોઈએ એવી રેકર્ડ પણ કોંગ્રેસીઓ છાસવારે વગાડયા કરે છે. કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ દેશના એક ટોચના હિંદી અખબારમાં લેખ લખીને પાછી એ જ પારાયણ માંડી છે. સોનિયાએ ગાઝામાં ઈઝરાયલે કરેલી નાકાબંદી સામે મૂક પ્રેક્ષક બની રહેવા બદલ મોદી સરકારની ટીકા કરી છે અને મોદી સરકારે નૈતિક કાયરતાની પરાકાષ્ઠા બતાવી હોવાનો આક્ષેપ કર્યો છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે, ઇઝરાયલી સંરક્ષણ દળોએ ગાઝા પર લશ્કરી નાકાબંધી લાદીને દવાઓ, ખોરાક અને બળતણનો પુરવઠો ક્રૂરતાથી અવરોધી દીધો છે.

Advertisement

ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં બેફામ બોમ્બમારો કરીને માળખાગત સુવિધાઓનો વિનાશ કર્યો છે અને નાગરિકોની બેફામ હત્યા કરી છે. ઈઝરાયલે ગાઝામાં માનવસર્જિત દુર્ઘટના સર્જી છે અને નાકાબંધીએ દુર્ઘટનાને વધુ ભયાનક બનાવી દીધું છે. ઈઝરાયલે લોકોને ભૂખમરાથી મરવા માટે મજબૂર કરવાની રણનીતિ અપનાવી એ નિ:શંકપણે માનવતા વિરુદ્ધ ગુનો છે ત્યારે મોદી સરકારે સ્પષ્ટ અને સાહસિક બનીને તેની ટીકા કરવી જોઈએ. સોનિયા ગાંધીએ લાંબોલચ્ચક લેખ લખ્યો છે ને તેમાં બહુ બધું લખ્યું છે પણ એ વાતોનો ટૂંક સાર એ જ છે કે, ઈઝરાયલના અત્યાચારો સામે ચૂપ રહીને મોદી સરકાર સાવ માટીપગી સાબિત થઈ છે. સોનિયાએ લખેલી વાતોમાં નવું કશું નથી. ગાઝા મુદ્દે કોંગ્રેસના વલણનો તેમાં પડઘો છે ને તેને માટે કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ જવાબદાર છે. કોંગ્રેસને એમ જ લાગે છે કે, ઈઝરાયલની ટીકા કરવાથી મુસ્લિમો રાજી થાય છે તેથી તટસ્થતાને બાજુ પર મૂકીને કોંગ્રેસ ગાઝા મામલે ઈઝરાયલની ટીકા જ કર્યા કરે છે.

વરસો પહેલાં કોંગ્રેસનું એ વલણ યોગ્ય હતું કેમ કે ઈઝરાયલ વર્સીસ આરબોનો જંગ હતો. કોંગ્રેસ જૂના દિવસોમાં સ્થગિત થયેલી છે અને મુસ્લિમ તુષ્ટિકરણથી આગળ તેની બુદ્ધિ ચાલતી નથી એટલે હજુય ઈઝરાયલ વિરોધી વલણ અપનાવે છે. તેના કારણે પોતે આતંકવાદને સમર્થન આપી રહી છે અને ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ વર્તી રહી છે એ સમજવાની વિવેકબુદ્ધિ પણ કોંગ્રેસમાં નથી. ગાઝામાં ચાલી રહેલો જંગ હમાસ અને ઈઝરાયલ વચ્ચે છે અને હમાસ એક આતંકવાદી સંગઠન છે. ગાઝામાં મોંકાણ મંડાઈ તેના મૂળમાં 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર કરેલો હુમલો જવાબદાર હતો. ગાઝાનાં લોકો જે કંઈ ભોગવી રહ્યા છે એ આ આતંકવાદી હુમલાનાં ફળ છે.

Tags :
CongressGazaindiaindia newspolitcal newsPoliticsSONIA GANDHI
Advertisement
Next Article
Advertisement