ભારતીય નાગરિક બન્યા પહેલાં સોનિયાની મતદાર તરીકે નોંધણી, રાહુલની બેવડી નાગરિકતાની સચ્ચાઇ સામે લાવો
ભારતમાં દેશને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાની કોઈને પડી નથી પણ સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દાને દેશહિતનો બહુ મોટો મુદ્દો હોય એ રીતે હોહા કરી મુકાય છે. સોનિયા ગાંધીની નાગરિકતા અને મતદાર યાદીમાં સમાવેશના મુદ્દે એવું જ થઈ રહ્યું છે. સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે નાગરિકતા મામલે નોટિસ ફટકારી છે. વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે, સોનિયા ગાંધીએ 1983માં 30મી એપ્રિલે ભારતની નાગરિકતા મેળવી હતી પણ એ પહેલાં 1980ની દિલ્હીના મતદારોની યાદીમાં તેમનું નામ આવી ગયું હતું. 1982માં સોનિયા ગાંધીનું નામ ડિલીટ કરી દેવામાં આવ્યું અને પછી 1983માં ફરી તેમનું નામ દાખલ કરાયું. અરજીમાં મતદાર યાદીમાં છેતરપિંડી કરાઈ હતી અને ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા હતા એવી શંકા વ્યક્ત કરાઈ છે. આ કારણે કોર્ટે દિલ્હી પોલીસને પણ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે.
આ અરજી ભાજપ પ્રેરિત છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે કેમ કે, સોનિયાની નાગરિકતા સામે સવાલ ભાજપે જ ઉઠાવેલો. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 13 ઓગસ્ટે દાવો કરેલો કે સોનિયા ગાંધી ભારતનાં નાગરિક નહોતાં છતાં તેમનું નામ ભારતની મતદાર યાદીમાં દાખલ કરી દેવાયું હતું. માલવિયના કહેવા પ્રમાણે, સોનિયાનું નામ બે વાર મતદાર યાદીમાં દાખલ કરાયેલું અને આ કેસ ચૂંટણી કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘનનું ઉદાહરણ છે. માલવિયાએ કટાક્ષ પણ કરેલો કે, આ જ કારણે રાહુલ ગાંધી અયોગ્ય કે ગેરકાયદે મતદારોને માન્યતા આપવાની તરફેણ કરે છે અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર- ’સર’)નો વિરોધ કરે છે. માલવીયે એવો સવાલ પણ કરેલો કે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથે લગ્નનાં 15 વર્ષ પછી જ ભારતીય નાગરિકતા કેમ લીધી? આ આક્ષેપોના આધારે કોર્ટમાં આ મામલો પહોંચ્યો છે. સોનિયા ગાંધી અત્યારે 79 વર્ષનાં છે અને ભાજપના દાવા પ્રમાણે જ સત્તાવાર રીતે જ 198 3 એટલે કે, 42 વર્ષથી ભારતનાં નાગરિક છે.
સોનિયા ગાંધી આ દરમિયાન લોકસભામાં છ વાર ચૂંટાયાં ને અત્યારે રાજ્યસભાનાં સભ્ય છે. સોનિયાની રાજકીય કારકિર્દીનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારે ના ભાજપે સોનિયાની નાગરિકતા સામે સવાલ કરેલો કે ના ભાજપના પાલતુ એવા કોઈ વકીલે કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. ભાજપ પોતે સત્તામાં આવ્યો પછી પણ આ મુદ્દે કદી બોલ્યો નથી. કેન્દ્રમાં છેલ્લાં 11 વર્ષથી સત્તામાં છે અને ચૂંટણી પંચ તેનું કહ્યાગરું છે છતાં ભાજપે ચૂંટણી પંચમાં તેની ફરિયાદ નથી કરી. હવે અચાનક ભાજપ પણ મચ્યો છે ને તેના ઈશારે વકીલ સાહેબ પણ કોર્ટમાં પહોંચ્યા છે તેનો મતલબ એ કે, આ રાજકીય લાભ ખાટવા માટેનો દાવ છે, તેનાથી વધારે કંઈ નથી. ભાજપની નેતાગીરી છેલ્લા કેટલાક સમયથી નહેરુ-ગાંધી ખાનદાને વરસો લગી લોલેલોલ ચલાવ્યું એવું સાબિત કરીને નહેરુ-ગાંધી ખાનદાનને લોકોની નજરમાં વિલન બનાવવા મથ્યા કરે છે.
સોનિયાની નાગરિકતાના મુદ્દે દેકારો પણ ભાજપના આ રાજકીય એજન્ડાનો જ ભાગ છે.
બાકી ભાજપને ખરેખર લાગતું હોય કે, સોનિયા ખોટી રીતે દેશનાં નાગરિક બની ગયાં અને મતદાર યાદીમાં આવી ગયાં તો સોનિયા સામે કેસ કરવો જોઈએ. નાગરિકતાનો મુદ્દો કેન્દ્ર સરકારનો છે ને કેન્દ્રમાં ભાજપની સરકાર છે એ જોતાં ભાજપે દેકારો કરવાના બદલે સોનિયા સામે કેસ કરી દેવો જોઈએ, સોનિયાને જેલભેગાં કરી દેવાં જોઈએ અને તેમના ગુનાની સજા અપાવવી જોઈએ. આવું જ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે બેવડી નાગરિકતાનું આલેખાયું છે. ભાજપથી દુર ગયેલા છતાં ભાજપના જ કહેવાતા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રથમ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હાલમાં પણ આ મુદ્દે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. સવાલ એ છે કે સરકારને સાચી હકિકતની જાણ નહીં હોય? જાણ ન હોય તો એ અક્ષમ્ય બેદરકારી અને ફરજચુક છે અને જો હોય તો તેણે હજુ સુધી કાર્યવાહી કેમ ન કરી એ સવાલ પુછવો જ જોઇએ.