1500 રૂા.ના વિવાદમાં પુત્રે ફાંસો ખાધો પછી મા-બહેને ઝેર પીધું
ઉત્તર પ્રદેશના ગોરખપુરના હરપુર બુધહટ પોલીસ સ્ટેશન વિસ્તારના કુચડેહરી ગામમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુચડેહરી ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે. 1500 રૂૂપિયાના વિવાદને કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મુંબઇમાં કપડાં પ્રેસ કરવાનું કામ કરતા મોહિત કનૌજિયા (18) મંગળવારે તે તેની માતા કૌશલ્યા દેવી અને બહેન સુપ્રિયા સાથે દવા ખરીદવા બજારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે તેની માતા પાસે તેનો મોબાઈલ રિપેર કરાવવા માટે 1500 રૂૂપિયા માંગ્યા હતા.
પૈસા ન મળવાથી ગુસ્સે થઈને તે ઘરે પાછો ફર્યો અને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
જ્યારે માતા અને બહેન ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ દરવાજો બંધ જોયો હતો. પડોશીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો અને અંદર જોયું તો મોહિતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મોહિતના મોતના કારણે માતા કૌશલ્યા દેવી (55) અને બહેન સુપ્રિયા (14) આ આઘાત સહન ન કરી શક્યા અને ઝેર પી લીધું હતું. ગ્રામજનોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને બંનેને તાત્કાલિક મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ગુરુવારે પહેલા સુપ્રિયા અને પછી કૌશલ્યા દેવીનું મૃત્યુ થયું હતું.
એસપી નોર્થ જિતેન કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે આ પારિવારિક વિવાદનો મામલો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે, મોહિતના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તેને બે પરિણીત બહેનો સ્નેહલતા અને શશીલતા છે.