રાધિકાની હત્યા પાછળ લવ જેહાદ ઘુસાડતું સોશિયલ મીડીયા: વાત પિતાની જૂનવાણી માનસિકતા માટે
ભારતમાં કોઈ પણ મુદ્દાને હિંદુ-મુસ્લિમનો રંગ આપીને સમાજમાં ઝેર ફેલાવવાનો ખતરનાક ખેલ એક ચોક્કસ વર્ગ ખેલી રહ્યો છે. ગમે તે ઘટના બને, આ ઘટનાને હિંદુ-મુસ્લિમ એંગલ આપીને હળાહળ જૂઠાણાં ફેલાવવા, હિંદુઓમાં ડર પેદા કરવા અને મુસ્લિમો સામે નફરત પેદા કરવા માટે આ ગેંગ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ જાય છે. આ વિકૃત માનસિકતા છે અને આ વિકૃતિનો તાજો દાખલો ગુરુગ્રામ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા અંગે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર ચાલી રહેલો કુપ્રચાર છે. રાધિકા યાદવની તેના જ સગા પિતા દીપક યાદવે 10 જુલાઈએ ગુરુગ્રામના વઝીરાબાદમાં આવેલા ઘરમાં ચાર ગોળી મારીને હત્યા કરી નાખી. રાધિકા ઘરમાં ખાવાનું બનાવી રહી હતી ત્યારે દીપક યાદવે પાછળથી ચાર ગોળી ધરબીને રાધિકાનું આયખું પૂરું કરી નાખ્યું. ગુરુગ્રામ પોલીસે દીપક યાદવની ધરપકડ કરી પછી યાદવે હત્યાનો એકરાર કર્યો.
યાદવનું કહેવું હતું કે, રાધિકાને અમે એકેડેમીમાં કામ કરવાનું અને ટ્રેઈનિંગ લેવાનું બંધ કરવા કહેતા હતા પણ રાધિકા કોઈનું સાંભળતી ન હતી તેથી ગુસ્સે થઈને પોતે તેને ગોળી મારી દીધી. પોલીસે એમ પણ કહ્યું છે કે, દીપક યાદવ પાસે રાધિકાની હત્યા કરવા માટે બીજું કોઈ કારણ એટલે કે ‘મોટિવ’ નહોતો તેથી યાદવની વાત સાચી લાગી રહી છે. ગુરુગ્રામ પોલીસે સત્તાવાર રીતે આપેલી આ માહિતી છે પણ સોશિયલ મીડિયાના મહાજ્ઞાનીઓ દીપકે દીકરીની હત્યા કેમ કરવી પડી એ માટે બહુ જોરદાર થિયરી લઈ આવ્યા અને આ થિયરીને સોશિયલ મીડિયા પર રમતી પણ કરી દીધી. આ થિયરી મહાસત્ય હોય એમ કેટલીક ટીવી ચેનલો પર એ ચાલી પણ ગઈ ને એક વિકૃત બાપે કરેલા અપરાધને હિંદુ-મુસ્લિમ આપી દેવાયો.
આ થિયરી પ્રમાણે, રાધિકાને ઈમાનુલ હક નામના એક મુસ્લિમ છોકરાએ લવ જિહાદ કરીને ફસાવી હતી. દીપક યાદવને આ વાતની ખબર પડી જતાં તેમણે દીકરીને સમજાવી પણ પ્રેમમાં પાગલ દીકરી ના માની એટલે અકળાઈને દીપક યાદવે રાધિકાને ગોળી મારી દીધી. સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર જેને લવ જિહાદનો સૂત્રધાર ગણાવાઈ રહ્યો છે એ ઈનામુલ હક એક ગાયક અને કલાકાર છે. ઈનામુલ સોશિયલ મીડિયા પર પોતાનાં ગીત રિલીઝ કરે છે. આવા એક ગીતમાં રાધિકાએ કામ કરેલું. તેમાંથી ફોટા અને વીડિયો કાઢી કાઢીને રાધિકા અને ઈનામુલ વચ્ચે અફેર હોવાના દાવા આ ગેંગ કરી રહી છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભારતમાં લવ જિહાદ ચાલે છે એ સત્ય છે પણ દરેક ઘટનામાં લવ જિહાદની વાત ઘુસાડવી માનસિક વિકૃતિ છે. આ વાતો દ્વારા એક હિંદુ દીકરી રાધિકાનું ચારિત્ર્યહનન કરાઈ રહ્યું છે. દીપક યાદવનું કૃત્ય અક્ષમ્ય છે અને લવ જિહાદના નામે તેના કૃત્યને યોગ્ય ઠેરવવાની માનસિકતા બતાવાઈ રહી છે એ ખતરનાક છે. દીકરીને ગુલામ બનાવીને રાખવાની આ માનસિકતાને પોષવામાં આવશે તો ભારત પણ અફઘાનિસ્તાન બની જશે.