દેશનો પ્રથમ ફ્લાય ઓવર ડિઝાઈન કરનારા શિરીષ પટેલનું અવસાન
જાણીતા સિવિલ એન્જિનિયર અને શહેરી આયોજનકારનું શુક્રવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. શિરીષ પટેલ ભારતના પ્રથમ ફ્લાયઓવરના ડિઝાઇનર હતા - કેમ્પ્સ કોર્નર ફ્લાયઓવર, જે 1965માં બાંધવામાં આવ્યું હતું. જો કે, તેમણે તાજેતરના વર્ષોમાં ફ્લાય ઓવરના પ્રસારની ટીકા કરી તેને ગાંડપણ ગણાવ્યું હતું. તેમનું માનવું હતું કે, આ કારણે જાહેર પરિવહનના ભોગે મોટરવાહનના ઉપયોગને પ્રોત્સાહન મળે છે.
1932માં જન્મેલા પટેલે તેમના પ્રારંભિક શાળાના વર્ષો કરાચીમાં વિતાવ્યા હતા. તેઓ બોમ્બે ગયા, જ્યાં તેમના પિતા ભાઈલાલ પટેલ પ્રથમ ભારતીય મ્યુનિસિપલ કમિશનર બન્યા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી, તેણે પોતાની એન્જિનિયરિંગ ફર્મ શરૂૂ કરતાં પહેલાં, ઝામ્બિયામાં કરીના ડેમ અને મહારાષ્ટ્રમાં કોયના ડેમ સહિતના મોટા ડેમ પર કામ કર્યું.
1965માં, શિરીષ પટેલે ચાર્લ્સ કોરિયા અને પ્રવીણા મહેતા સાથે મળીને મુંબઈના બોજને દૂર કરવા સમગ્ર બંદર પર એક નવું શહેર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પાંચ વર્ષ પછી, તેમને શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (CIDCO)ના મુખ્ય આયોજક બનાવવામાં આવ્યા, જે એજન્સી નવી મુંબઈના નિર્માણ માટે બનાવવામાં આવી હતી.
87 વર્ષની ઉંમરે, તેણે અને અન્ય આયોજકે વરલીમાં BDD ચાલ માટે સરકારની પુન:વિકાસ યોજના સામે PIL દાખલ કરી. આ અરજીમાં તેઓએ દલીલ કરી હતી કે આ વિસ્તારને ઘન બનાવશે અને રહેવાસીઓમાં આરોગ્ય અને પર્યાવરણીય સમસ્યાઓ ઊભી કરશે. જો કે, તેઓ પરિવર્તનનો વિરોધ કરતા ન હતા. તેના બદલે, તેમણે વૈકલ્પિક બિલ્ડિંગ પ્લાનનો પ્રસ્તાવ મૂક્યો જે ઓછી ગીચ હશે અને વધુ ખુલ્લી જગ્યા બનાવશે, પરંતુ તેમની અરજીઓ બહેરા કાને પડી.