કટોકટી વિરૂધ્ધ લેખ લખી શશી થરૂરે ફરીવાર કોંગ્રેસની નેતાગીરીને પડકારી છે
કોંગ્રેસના સાંસદ શશી થરૂૂર લાંબા સમયથી કોંગ્રેસની નેતાગીરીને અકળાવ્યા કરે છે. કોંગ્રેસ સંગઠનની નબળાઈઓની જાહેરમાં ચર્ચા કરવાથી માંડીને નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા સહિતની પ્રવૃત્તિઓના કારણે કોંગ્રેસનો એક વર્ગ થરૂૂરને કોંગ્રેસમાંથી તગેડી મૂકવાની માગ પણ કરે છે ત્યારે થરૂૂરે આ માગ પ્રબળ બને એવું વધુ એક કારણ પૂરું પાડીને 1975માં ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટોની આકરી ઝાટકણી કાઢી છે. મલયાલમ દૈનિક દીપિકામાં કટોકટી પર એક લેખમાં થરૂૂરે, 25 જૂન 1975થી 21 માર્ચ 1977 દરમિયાન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને ભારતના ઇતિહાસનું કાળું પ્રકરણ ગણાવીને લખ્યું છે કે, શિસ્ત અને વ્યવસ્થા માટે કરવામાં આવેલા પ્રયાસો ક્રૂરતાના કૃત્યોમાં ફેરવાઈ ગયા જેને વાજબી ઠેરવી શકાય નહીં. થરૂૂરે એમ પણ લખ્યું છે કે, કટોકટીને ફક્ત ભારતના ઇતિહાસના કાળા પ્રકરણ તરીકે યાદ રાખવી જોઈએ નહીં પણ કટોકટીમાંથી શીખેલા પાઠને સંપૂર્ણ રીતે સમજવા જોઈએ. થરૂૂરે લખ્યું છે કે, ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ બળજબરીથી નસબંધી ઝુંબેશ ચલાવીને કટોકટી દરમિયાન અત્યાચારનું એક કુખ્યાત ઉદાહરણ પૂરું પાડ્યું.
નસબંધીના મનસ્વી ટાર્ગેટને પૂરા કરવા ગરીબ લોકો પર અત્યાચારો ગુજારાયા અને ગ્રામીણ વિસ્તારોમાં હિંસા અને બળજબરીનો ઉપયોગ કરવામાં આવ્યો. નવી દિલ્હી જેવાં શહેરોમાં, ઝૂંપડપટ્ટીઓને નિર્દયતા અને ક્રૂરતાથી તોડી પાડીને હજારો લોકોને બેઘર બનાવવામાં આવ્યા અને લોકોના કલ્યાણને ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું. થરૂૂરે એવી ટકોર પણ કરી છે કે, લોકશાહી હળવાશથી લેવાની વસ્તુ નથી પણ કિંમતી વારસો છે કે જેને સતત સંવર્ધન અને સાચવણીની જરૂૂર પડે છે.
થરૂૂરે આખો લાંબો લેખ લખ્યો છે. આ લેખનો ટૂંક સાર એ જ છે કે, કોંગ્રેસે કટોકટી વખતે લોકશાહીને અભરાઈ પર ચડાવી દીધી હતી અને સંજય ગાંધીએ અત્યાચારો કરવામાં કોઈ કસર નહોતી છોડી. થરૂૂરે કટોકટી વિરોધી લેખ અને આ સર્વે દ્વારા કોંગ્રેસ નેતૃત્વ સાથે આરપારની લડાઈ લડવાનું નક્કી કરી લીધું હોય એવું લાગે છે. થરૂૂરે સંકેત આપ્યો છે કે, મારી લાયકાતની કદર કરો નહિંતર આ પ્રકારની પરિસ્થિતી માટે તૈયાર રહો. તેથી થરૂૂરના દાવો ખોટો નથી. આ દાવો સ્વીકારવાના બદલે કોંગ્રેસ તેમને તગેડી મૂકે તો લોકો કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ કરવા માંડે એ જોતાં કોંગ્રેસ હાલના તબક્કે થરૂૂરને કાઢવાનું જોખમ લે એ વાતમાં માલ નથી.