દેશની સેવા કરવી એ મારા જીવનનું સૌથી મોટું સન્માન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ ભારતને ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર રાહુલ દ્રવિડનો ભારતીય ટીમ સાથેનો કરાર આ ટૂર્નામેન્ટ બાદ સમાપ્ત થઈ ગયો હતો. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે મંગળવારે સાંજે 9 જુલાઈએ ભારતીય ટીમના નવા મુખ્ય કોચના નામની સત્તાવાર જાહેરાત કરી હતી.
ભારત માટે ટી20 અને ઓડીઆઈ વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવ્યા બાદ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ભારત મારી ઓળખ છે અને દેશની સેવા કરવી એ મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. હું પાછો આવીને ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું, હા એ બીજી વાત છે કે આ વખતે મારી જવાબદારી જુદી હશે. ભૂમિકા ભલે અલગ હોય, પરંતુ મારો ધ્યેય એ જ રહેશે જે હંમેશા રહ્યો છે.
હું ભારતને ગર્વ અનુભવવા માટે એક ક્ષણ આપવા માંગુ છું. ભારતના 1.4 અબજ લોકોના સપનાને સાકાર કરવાની જવાબદારી ભારતીય ક્રિકેટ ટીમના ખભા પર છે. હું મારી ક્ષમતા મુજબ તમામ ભારતીયોના સપના સાકાર કરવાનો પ્રયાસ કરીશ.
બીસીસીઆઈએ ગૌતમ ગંભીરના સામેલ થવાને લઈને મીડિયા એડવાઈઝરી જારી કરી છે. ટીમ ઈન્ડિયા હાલ ઝિમ્બાબ્વેમાં ઝ20 સિરીઝ રમી રહી છે. આ પછી તે શ્રીલંકા પ્રવાસ પર જશે. આ તે પ્રવાસ હશે જ્યારે ગૌતમ ગંભીર પોતાનું પદ સંભાળશે. આ પ્રવાસમાં ભારતીય ટીમે 3 ટી20 અને એટલી જ ઓડીઆઈ મેચ રમવાની છે. ભારત-શ્રીલંકાની ટીમો 27 જુલાઈથી ઝ20 શ્રેણીમાં ટકરાશે. ગૌતમ ગંભીર 3.5 વર્ષ સુધી આ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ 2027ના અંતમાં સમાપ્ત થશે.
બીસીસીઆઈએ હજુ સુધી ગૌતમ ગંભીરના પગાર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનો પગાર રાહુલ દ્રવિડ કરતા વધુ હશે. રાહુલ દ્રવિડને હેડ કોચના પદ માટે વાર્ષિક 12 કરોડ રૂૂપિયા મળતા હતા.